જિલ્લામાં ઔદ્યોગીક એકમોમાં કામ દરમિયાન અકસ્માતનાં બનાવો કારીગરો ઇજાગ્રસ્ત થવાનાં તથા મૃત્યુ થવાનાં બનાવો પણ સામે આવતા રહે છે. ગાંધીનગરનાં ચિલોડા પાસે આવેલા મકાન ચણતર માટે બ્લોક બનાવતા કારખાનામાં ટ્રક અને લીફ્ટ મશીન વચ્ચે દબાઇ જતા ઇજાગ્રસ્ત મજુરનું સારવાર દરમિયાન મોત થવાની ઘટના સામે આવી છે.
ચિલોડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર આલપુર પાટીયા પાસે આવેલા ઇકોગ્રીન નામનાં ફ્લાયએસનાં બ્લોક બનાવતા કારખાનાં ગોડાઉનમાં શનિવારે સાંજે પોણા નવ વાગ્યાનાં અરસામાં અકસ્માતની ઘટના બની હતી. જેમાં લોડ થઇ રહેલી ટ્રક તથા એફોર લીફ્ટ મશીનની વચ્ચે ટ્રકનાં ડ્રાઇવર રફીકભાઇ તથા સાધુભાઇ હેમાભાઇ દામા (મુળ રહે કોટડા, જંબુસર, મધ્યપ્રદેશ) દબાઇ જતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમની સાથે કામ કરતા કારીગરોએ ૧૦૮ને જાણ કરીને બંનેને ગાંધીનગર સિવિલમાં સારવારમાં ખસેડ્યા હતા. જયાં સાધુભાઇ હેમાભાઇ દામા (ઉ.વ.૩૫)નું મૃત્યુ થયુ હતુ. જયારે લીફ્ટ મશીનનો ચાલક ઘટનાનાં પગલે ફરાર થઇ ગયો હતો. મૃતક સાધુભાઇનાં ભાઇ મુકેશભાઇ હેમાભાઇ દામાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં બેદરકારી પુર્વક મશીન ચલાવીને સાધુભાઇનું મોત નિપજાવનાર ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.