જેટ એરવેઝે અબુ ધાબીથી આવતી તમામ ફલાઈટ્સ સોમવારથી અનિશ્ચિત સમય માટે બંધ કરી દીધી છે. એરલાઈને આ માટેનું કારણ ઓપરેશનલ ગણાવ્યું છે. એરલાઈનનું કહેવું છે કે આવનારા સામયમાં એરક્રાફટની અછતનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ઓપરેશન અબુ ધાબીથી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એતિહાદ એરપોર્ટે પણ આ બાબતે રવિવારે મુસાફરો માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
જેટના આ નિર્ણયથી અબુ ધાબીથી ઉડાન ભરનાર તમામ મુસાફરો માટે મુશ્કેલી સર્જાય તેવી શકયતા છે. જેટ એરવેઝનું કહેવું છે કે તેણે મુસાફરો અને ડીજીસીએને માહિતી આપી દીધી છે.
આર્થિક સંકટ અને લીઝ ન ચૂકવવાને કારણે જેટ એરવેઝ અત્યાર સુધીમાં ૫૩ વિમાનને ગ્રાઉન્ડ કરી ચૂકી છે. એરલાઈન છેલ્લા ઘણાં મહીનાઓથી પાયલટ, એન્જિનિયર અને અન્ય કર્મચારીઓની સેલેરી પણ સમય પર આપી રહી નથી. તેનાથી હેરાન પાયલટ્સે સરકારની દખલગીરીની માંગ કરી છે. જેટ એરવેઝેના ચેરમેન નરેશ ગોયલે ૮ માર્ચે પાર્ટનર એરલાઈન એતિહાદ એરવેઝના ગ્રુપ સીઈઓ ટોની ડગલસને પત્ર લખ્યો હતો.
ગોયલે એતિહાદ પાસે ૭૫૦ કરોડ રૂપિયાની મદદ માંગી હતી. ગોયલે કહ્યું હતું કે ઝડપથી રકમ ન મળી તો તમામ વિમાન ઉભા રાખવા પડી શકે છે.
ગોયલે થોડા દિવસો પહેલા કર્મચારીઓને પણ પત્ર લખ્યો હતો. તેમણે ભાવનાત્મક પત્ર લખીને અપીલ કરી હતી કે મુશ્કેલ હાલતમાં થોડો સમય વધુ સાથ આપો. ગોયલે આ બાબતે ભરોસો આપતા જણાવ્યું હતું કે ૧૮ માર્ચ સુધીમાં તમામ પરિસ્થિતિ આપણા પક્ષમાં હશે.