માહી કંપનીના દૂધે તેની ઉચ્ચ ગુણવત્તા થકી માર્કેટમાં એક અલગ જ સ્થાન મેળવી લીધુ છે ત્યારે આ ઉચ્ચ ગુણવત્તાના દૂધમાંથી તૈયાર કરવામાં આવેલ સ્કીમ્ડ મિલ્ક પાઉડર જો માર્કેટમાં મૂકવામાં આવે તો ખેડૂતોની સાથે સાથે લોકોના આરોગ્યની પણ સેવા થશે તેવા ઉદે્શને ધ્યાને લઇને કંપની દ્વારા માહી સ્કીમ્ડ મિલ્ક પાઉડર લોન્ચ કરી રહ્યા છીએ. તેમ સ્કીમ્ડ મિલ્ક પાઉડર માર્કેટમાં રજૂ કરવા માટે યોજાયેલા સમારંભમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા માહી મિલ્ક પ્રોડ્્યૂસર કંપની લિમિટેડના સી.ઇ.ઓ. યોગેશ પટેલે જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર – કચ્છના એક લાખથી વધુ ખેડૂતોની કંપની માહી મિલ્ક પ્રોડ્્યૂસર કંપની લિમિટેડ દ્વારા વિવિધ દૂધ, ઘી, દહીં, છાસ, પનીર, ફલેવર્ડ મિલ્ક, મીઠાઇ વગેરે ઉત્પાદનોની વિશાળ શ્રેણી બજારમાં મૂકવામાં આવેલી છે. કેન્દ્ર સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા શરૂ કરાયેલ ઝુંબેશમાં યોગદાન આપી શકાય અને બાળકો તથા યુવાનોની શારીરિક ક્ષમતા સુધારવાના હેતુથી ગત વર્ષથી કંપનીએ પહેલ કરીને માર્કેટમાં ફોર્ટીફાઇડ દૂધ રજૂ કરેલ છે જેને વ્યાપક આવકાર મળેલ છે અને કંપનીની આ પહેલને આવકારીને કેન્દ્રના એફ.એસ.એસ.એ.આઇ. દ્વારા મિલ્ક ફોર્ટીફિકેશન ચેમ્પિયનનો એવોર્ડ પણ આપેલ છે ત્યારે માહી દૂધની ઉચ્ચ ગુણવત્તાનો લાભ વ્યાપક પ્રમાણમાં લોકો ઉઠાવી શકે તે હેતુથી આ દૂધમાંથી ઉચ્ચ કવોલિટીનો સ્કીમ્ડ મિલ્ક પાઉડર તૈયાર કરી માર્કેટમાં મૂકવામાં આવ્યો છે. કંપની દ્વારા આ સ્કીમ્ડ મિલ્ક પાઉડર ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ તેમજ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તરફથી કવોલિટી માર્કનો લોગો મેળવેલ જુનાગઢ ખાતેના પ્લાન્ટ ખાતે તૈયાર કરવામાં આવે છે. આ પાઉડર પ્લાન્ટ આધુનિક સ્પ્રે ડ્રાયર ટેકનોલોજીથી સજ્જ હોઇ ઉત્તમ કવોલિટીનો દાણેદાર પાઉડર બનાવી શકાય છે જે ખૂબ જ સહેલાઇથી પાણીમાં ઓગળી જઇને દૂધમાં પરિવર્તિત થાય છે. ગાયના ઘીને માર્કેટમાં અપ્રતિમ સફળતા મળ્યા બાદ ઉચ્ચ ગુણવત્તાવાળો આ સ્કીમ્ડ મિલ્ક પાઉડર માર્કેટમાં લોન્ચ કરીને કંપનીએ તેની યશકલગીમાં વધુ એક પીચ્છ ઉમેર્યું છે. આ પ્રસંગે હોટલ ધ ફર્ન રેસીડન્સી ખાતે યોજાયેલા સમારંભમાં વિતરકોને સંબોધન કરતા કંપનીના સીઈઓ યોગેશ પટેલે જણાવ્યું હતું કે, આપણે ક્યારેય ક્વોલિટી સાથે બાંધછોડ કરતાં નથી. પેઢીઓ સુધી આપણી પ્રોડક્ટસ્ની ઓળખ રહે અને પેઢી દર પેઢી તેનો વ્યવસાય પણ ચાલતો રહે તે હેતુથી ઉચ્ચ ક્વોલિટીની પ્રોડક્ટસ્ માર્કેટમાં મૂકેલી છે. તેમાં માહીના દૂધમાંથી બનાવેલ સ્કીમ્ડ મિલ્ક પાઉડર પણ માર્કેટમાં આગવું સ્થાન મેળવી લેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. આ પ્રસંગે જુનાગઢ મધર ડેરીના જનરલ મેનેજર અલ્કેશ પટીબધ્ધાએ સ્કીમ્ડ મિલ્ક પાઉડર બનાવવા માટેની ટેકનીકલ માહિતી આપી માહી કંપનીનો સ્કીમ્ડ મિલ્ક પાઉડર અન્ય કંપનીના પાઉડરથી કેવી રીતે વિશેષ ગુણધર્મો અને ગુણવત્તા ધરાવે છે તેની ઊંડાણથી તલસ્પર્શી વિગતો આપી હતી. આ પ્રસંગે કંપનીના ડેપ્યુટી ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમ અંતર્ગત કવોલિટી વિભાગના જગદીશભાઇ રાવલે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન શ્રી હર્ષ ચોબેએ કર્યુ હતું. જ્યારે આભાર પ્રવચન શ્રી નિકેશ ધોળકીયાએ કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૈયુમ બલોચે તેમની આગવી શૈલીમાં કર્યુ હતું. સમારંભમાં કંપનીના અધિકારીઓ મિથિલ ઓઝા, ડો. વિનોદ જાની, સંજય તલાટી, પરસોતમ પટોલિયા, ડો. સંજય પટેલ, બિપીન ચિકાણી, પ્રદિપ દાસ, રાજેશ ઠક્કર, મનિષ ચાંડેગરા, જ્ઞાનેન્દ્ર વર્મા ઉપરાંત, રાજ્યભરના ડિસ્ટ્રીબ્યૂટર્સ ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.