સુભાષબ્રિજ પર આવેલી આરટીઓમાં વર્ષ ૨૦૧૮માં નાતાલની રજાઓ દરમિયાન આરટીઓ કચેરીના સોફ્ટવેયરમાં પાસવર્ડ નાખી કુલ ૮૪ જેટલા બેકલોગ કરી લાઈસન્સ ઈશ્યુ કરાયા હતા. આ કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના એજન્ટ તેમજ અગાઉ ભૂજ આરટીઓમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા યુવકની ધરપકડ કરી છે.
વર્ષ ૨૦૧૮માં નાતાલની બે દિવસની રજા દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ અમદાવાદ આરટીઓમાં સારથી-૪ સોફ્ટવેયરમાં પાસવર્ડ નાખી કુલ ૮૪ જેટલી બેકલોગ એન્ટ્રી દ્વારા બોગસ લાઈસન્સ ઈશ્યુ કર્યા હતા. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કે.જી ચૌધરી અને ટીમે આરટીઓમાં સીસીટીવી અને ટેક્નિકલ મદદથી મહેન્દ્ર ઉર્ફે પાજી જાદવ (ભરવાડ, રહે-હિલવ્યુ રેસિડેન્સી,ભૂજ) અને રાકેશ પટણી (રહે.બોરડી-વડનગર સોસાયટી, સરસપુર)ની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. આરોપી મહેન્દ્ર ૨૦૧૦થી ૨૦૧૮ સુધી ભૂજ આરટીઓમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. જ્યારે રાકેશ અમદાવાદ આરટીઓમાં ૬ વર્ષથી એજન્ટ તરીકે કામ કરે છે. આરટીઓના કામઅર્થે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ઝડપથી પૈસા કમાવવા માટે રાકેશ પટણીએ રજાના દિવસનો લાભ લઈ કોમ્પ્યુટર ઓપરેટરના ટેબલ પરથી સોફ્ટવેયર યુઝર આઈડી અને પાસવર્ડ મેળવ્યા હતા. રાકેશે વોટ્સએપ દ્વારા યુઝર આઈડી અને પાસવર્ડ મહેન્દ્રને મોકલ્યા હતા. મહેન્દ્રએ તેના આધારે સોફ્ટવેયરમાં ખોટી એન્ટ્રી કરી બોગસ લાઈસન્સ બનાવ્યા હતા.
બંને આરોપીઓએ અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં આવેલી આરટીઓ કચેરીમાં બેકલોગ એન્ટ્રીઓ કરી ખોટા લાઈસન્સ ઈશ્યુ કર્યા હોવાનું સામે આવ્યું છે. ગાંધીધામ આરટીઓમાં પણ ૨૪૮ જેટલી બોગસ એન્ટ્રીઓ થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં આ બંને આરોપી હોવાનું પૂરપેરી શક્યતા છે.