ઉત્તર પ્રદેશના આઝમગઢ શહેરના મૂકેરીગંજ મહોલ્લા સ્થિત ફટાકડાની દુકાનમાં રવિવારે રાત્રે એકાએક આગ લાગતાં એક મહિલા સહિત સાતનાં મોત થયાં હતાં અને ૧૮ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. મકાનની છત પર કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની દહેશત છે.
ફટાકડાની આ દુકાનમાં આગ લાગવાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઇ હતી અને ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસ અને પ્રશાસને રાહત અને બચાવની કામગીરી પણ હાથ ધરી હતી. આઝમગઢના ગીચ વિસ્તારમાં અડધો ડઝનથી વધુ ફટાકડાની દુકાન આવેેલી છે.
ખિલાડી ગુપ્તાના એક મકાનમાં લોખંડની સીડીનું વેલ્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે આગની ચિનગારી ઘરના ચૂલા સુધી પહોંચી ગઇ હતી અને આગે ફટાકડા સાથે ગેસ સિલિન્ડરને પણ લપેટમાં લઇ લેતાં ઝડપથી ભીષણ આગ પ્રસરી ગઇ હતી.
ઘરના લોકો ભાગીને બીજા રૂમમાં ભરાઇ ગયા હતા. ત્યારબાદ કલાકો સુધી ફટાકડા ફૂટતા રહ્યા હતા અને આગે ભીષણ સ્વરૂપ પકડી લીધું હતું.
ફટાકડાના વિસ્ફોટના કારણે બે માળની ઇમારતની છત તૂટી પડતાં તેના કાટમાળ નીચે કેટલાક લોકો દટાઇ ગયા હતા. પ્રશાસને સાતનાં મોત થયાં હોવાના અહેવાલને સમર્થન આપ્યું હતું. આગથી ૧૮ કરતાં વધુ લોકો દાઝી ગયા છે, જેમને સારવાઅર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.