સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું માત્ર ૭૪ બેઠકમાં જ કોકડુ વળી જશે. તેમણે સપા-બસપા ગઠબંધનને સર્વશ્રેષ્ઠ ગણાવ્યું હતું. જોકે, તેમણે માયાવતી વડાપ્રધાનપદ માટે યોગ્ય ગણાય કે નહીં તે અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું. અખિલેશે કહ્યું કે, તેમણે નક્કી કરી રાખ્યું છે કે, શું કરવાનું છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતે આઝમગઢથી ચૂંટણી લડવાના છે તેવા સંકેત પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે આઝમગઢની જનતા કહેશે તો હું ત્યાંથી ચૂંટણી લડીશ. ‘જનતા ઈચ્છે છે કે આગામી સરકાર અહીંની બને. દેશના વડાપ્રધાન કોઈ નવા બને અને એ પણ ઉત્તર પ્રદેશમાંથી જ બને તો સૌથી સારુ રહેશે.’ તેમણે ભારતીય જનતા પાર્ટી પર નિશાન તાકતા કહ્યું હતું કે, ‘અમે તો એક-બે પાર્ટીઓ સાથે ગઠબંધન કરીએ છે.
ભાજપ જણાવે કે તેમનું ગઠબંધન કેટલી પાર્ટીઓ સાથે છે. જો અમારું ગઠબંધન ભેળસેળવાળું છે તો એમનું વળી ક્યાં બહું સારું છે? અખિલેશે કહ્યું કે, ભાજપ સત્તા મેળવવા માટે કોઈ પણ હદ સુધી ખોટું બોલી શકે છે. પરંતુ આ વખતે સમગ્ર દેશમાંથી તે ફક્ત ૭૪ બેઠકોમાં સમેટાઈ જવાની છે. મુલાયમસિંહ દ્વારા નરેન્દ્ર મોદીને ફરી વખત વડાપ્રધાન બનાવની શુભેચ્છા આપવા પર સ્પષ્ટતા કરતા અખિલેશે કહ્યું કે, ‘સંસદમાં નેતાજીએ જે કંઈ પણ કહ્યું તે શિષ્ટાચાર માટે કહ્યું હતું. ફ્લોર ઓફ ધી હાઉસ પર આવી વાતો થતી રહેતી હોય છે. અખિલેશે ઉમેર્યું હતું કે ‘પ્રિયંકાની રાજકારણમાં થયેલી એન્ટ્રીથી ભાજપના સૂપડા સાફ થઈ જવાના છે.