એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદદુદ્દીન ઓવૈસીએ હૈદરાબાદ લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યું છે. આ ચૂંટણી ફોર્મમાં ઓવૈસીએ પર્સનલ જાણકારી આપી છે. જેમાં તેણે જણાવ્યું કે તેની પાસે ૧૩ કરોડ રૂપિયાની સંપત્તિ છે, જેમાં ૧૩ કરોડની અચલ સંપત્તિ અને એક કરોડ ૬૭ લાખ રૂપિયાના મુલ્યની અન્ય સંપત્તિ છે. આ સિવાય તેમના પર ૯ કરોડ ૩૦ લાખ રૂપિયાનું દેણું પણ છે.ઓવૈસી પાસે બે લાખ રૂપિયાની રોકડ રકમ છે. વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન તેમની સંપત્તિ ૧૦ કરોડ હતી, વર્ષ ૨૦૧૬-૧૭માં તેમની સંપત્તિ ૧૩ કરોડ હતી, આ સિવાય તેમના પર પાંચ કેસ દાખલ છે.
, જેમાંથી કોઇ કેસમાં તેઓ દોષીત જાહેર થયા નથી. ઓવૈસી લોકસભામાં સતત ચોથી વખત જીત મેળવવા માટે ચૂંટણી લડી રહ્યાં છે. ઓવૈસી હૈદરાબાદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડશે,આ સંસદીય સીટ અંદાજે ત્રણ દાયકથી એઆઈએમઆઈએમનો ગઢ છે. ઓવૈસીના પિતા સુલ્તાન સલાહુદ્દીન ઓવૈસી પણ આ સંસદીયસીટનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને તેઓ સતત છ વખત ચૂંટાયા પણ છે.
ચૂંટણી ફોર્મમાં તેણે જણાવ્યું કે તેમની પાસે ખુદની કાર નથી, જો કે તેમની પાસે એનપી બોર ૨૨ પિસ્તોલ અને એક રાયફલ છે. જેની કિંમત એક-એક લાખ રૂપિયા હોવાનું જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓવૈસીએ સોમવારે હૈદરાબાદ સીટ પરથી પોતાનું નામાંકન દાખલ કર્યું. ચૂંટણીની તારીખો જાહેર થતા જ ઓવૈસીએ હૈદરાબાદ જિલ્લા અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભર્યુ. ઓવૈસી અચાનક પોતાની પાર્ટીના નેતા અને ધારાસભ્યો સાથે જિલ્લા કાર્યાલય પહોંચ્યા અને તેઓએ ચૂંટણીફોર્મ ભર્યું. ત્યારબાદ ઓવૈસીએ ટ્વીટ કર્યું કે અલમદુલિલાહ, આજે સોમવારે પોતાનું નામંકન પત્ર ભર્યું. હૈદરાબાદ સંસદીય સીટ ભારતના નબળા લોકોની આવાજ રહ્યું છે.