શહેરમાં આવેલ અલગ-અલગ ત્રણ રેલ્વે ફાટક તથા અંડરબ્રિજ લોકો માટે મોટી સમસ્યા સાબીત થઈ રહ્યાં છે. ટ્રાફીક નિયમન તથા અકસ્માત નિવારણ અર્થે બનાવવામાં આવેલ આ વ્યવસ્થા લોકો માટે દુવિધા સાબીત થઈ રહી છે.
શહેર મધ્યે આવેલ મોતીતળાવ રેલ્વે ફાટક ત્યાંથી થોડે દુર રેલ્વે અંડરબ્રિજ, કુંભારવાડા રેલ્વે ફાટક તથા પરામાં આવેલ રેલ્વે ફાટકને લઈને વિવિધ જાગૃત સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા રેલ્વે તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે. અન્ડરગ્રાઉન્ડ બ્રિઝ ખુબ જ સાંકડુ અને યોગ્ય આયોજન વિના બનાવવામાં આવ્યું છે તથા સાગરમાળામાં પાણી નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી રાત્રિના સમયે તથા ચોમાસાના સમયમાં આ ગરનાળુ રાહદારીઓ, વાહન ચાલકો માટે બિનઉપયોગી સાબીત થાય છે તો બીજી તરફ મોતીતળાવ પાસે આવેલ રેલ્વે ફાટક પાસે પણ વર્ષોથી અંડરગ્રાઉન્ડ નાળુ બનાવવાની લોકમાંગ પડતર છે. અત્રે ટ્રેન પસાર થવાના સમય પૂર્વે રેલ્વે ફાટક બંધ કરી દેવામાં આવે છે જે ખાસ્સો સમય વિતવા છતાં અને ટ્રેન પસાર થયે પણ ખોલવામાં આવતું નથી.
પરિણામે બન્ને સાઈડના રોડ પર વાહનોના થપ્પા લાગી જાય છે અને ભારે ટ્રાફિકજામ સર્જાય છે. દિવસમાં અનેકવાર આ પ્રકારની તકલીફો લોકો વેઠી રહ્યાં છે. આવા ટ્રાફિકજામને લઈને સૌથી વધુ પીડા શાળા કોલેજોમાં અભ્યાસરત વિદ્યાર્થીઓ મેડીકલ ઈમરજન્સી ધરાવતા લોકો, વૃધ્ધો વગેરે બને છે. ભૂતકાળમાં આવા ટ્રાફિકના કારણે સમયસર મેડીકલ સારવાર ન મળતા લોકોને પોતાની જીંદગીથી હાથ ધોવાના બનાવો પણ બન્યા છે. ફાટક ખુલતાની સાથે બન્ને સાઈડથી વાહન ચાલકો ઝડપથી નિકળવા ઉતાવળ કરે છે. જેને લઈને છાશવારે અકસ્માતો અને મારામારીના બનાવો પણ બને છે. આ સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે.