શહેરના પીરછલ્લા શેરીમાં આવેલ ડ્રેસ મટીરીયલ્સની દુકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમ અને સાડીની ચોરી કરી નવા વર્ષની ઉજવણી કરી હતી. ઘોઘાગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલ દુકાનોમાં આજે ફરી એકવાર તસ્કરોએ ચોરી કરી ખુલ્લો પડકાર ફેંકયો છે. જો કે મોડીસાંજ સુધી પોલીસ મથકમાં સત્તાવાર કોઈ ફરિયાદ થવા પામી નથી.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના પીરછલ્લા રોડ પર આવેલ ભાવેશભાઈ રણછોડભાઈ ટાઢાની શ્રીજી ફેશનની દુકાનમાં પાછળના ભાગેથી બારીમાંથી તસ્કરો પ્રવેશ કરી ગલ્લામાં રાખેલ રોકડ રૂા.પ હજાર અને સાડી, ડ્રેસ મટીરીયલ્સ સહિત મળી કુલ રૂા.૧૦ હજારના માલસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતા ગંગાજળીયા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જો કે પોલીસ મથકમાં કોઈ સત્તાવાર ફરિયાદ થવા પામી ન હતી. વારંવાર બનતા ચોરીના બનાવોથી પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ ઉઠવા પામી છે.