અમદાવાદના આશાસ્પદ પત્રકાર ચિરાગ પટેલની રહસ્યમયી સંજોગોમાં સળગી ગયેલી લાશ મળી આવી છે. આ ઘટનાને ત્રણ દિવસ વીતી ગયા છતા પોલીસ તપાસ હાલ પેપર પર જ રહી છે. પોલીસ અંધારામાં જાણે ફીફા ખાંડતી હોય તેમ તપાસ કરી રહી છે. બીજી તરફ ચિરાગ પટેલના પરિવારજનો અને સમગ્ર અમદાવાદ શહેર આ ઘટનાના કારણે શોકમાં ડૂબી જવાની લાગણી ઉભી થઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હજી એવી ખુટતી કડીઓ છે જેના કારણે પોલીસ તપાસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે સીએમ રૂપાણીએ ચિરાગ પટેલની હત્યા મામલે ગંભીર નોંધ લઈ પોલીસને કડક તપાસના આદેશ આપ્યા છે.
અમદાવાદના નિકોલમાં રહેતા અને ખાનગી ન્યૂઝ ચેનલમાં કોપી એડિટર તરીકે કામ કરતા ચિરાગ પટેલની હત્યાના કેસમાં ત્રણ દિવસથી પોલીસને કોઈ કડી મળી નથી. આ કેસમાં નિકોલ પોલીસ અને ડીસીપીકક્ષાના અધિકારી પહેલાથી ચિરાગ પટેલે આત્મહત્યા કરી હોવાની થિયેરી ઉપર તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ચિરાગે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરી હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા. છતા પણ તેઓ માત્ર આત્મહત્યાના કરી હોવાની દિશામાં આરંભી હતી. પોલીસને કઠવાડા ટોલટેક્ષના સીસીટીવી ફૂટેજ અને ચિલોડાનું લાસ્ટ લોકેશન મળ્યું હતું. જે અનેક સવાલો ઉભા કરે છે.
ચિરાગ પટેલની હત્યા મામલે ત્રણ દિવસથી પોલીસ હત્યારા સુધી પહોંચી ન શકતા લોકોએ ટિ્વટર પર ઈંજસ્ટીસ ફોરચીરાજ ટ્રેન્ડ શરૂ કર્યો છે. હજારો લોકોએ ચિરાગના પરિવારજનોને ન્યાય અપાવવાની માંગણી કરી છે. આ મામલે રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયા પર ચિરાગને ન્યાય અપાવવાની માંગ કરી છે. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના નેતાઓએ ટિ્વટ કરીને લો-એન્ડ-ઓર્ડરની સ્થિતિ પ્રશ્નો ઉભા કર્યા છે. આજે રાત્રે ચિરાગ પટેલને ન્યાય મળે તે માટે વસ્ત્રાપુર લેક પર કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ચિરાગ પટેલની હત્યા અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે ‘યુવા પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુ અંગે ભાજપ સંવેદન વ્યક્ત કરે છે. અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપે છે. તેમના પરિવાર અને પત્રકારજગતની લાગણી સાથે અમારી લાગણી પણ સમાયેલી છે. આ સંદર્ભે જીતુ વાઘાણીએ સીએમ રૂપાણી સાથે વાત કરી છે. સીએમ રૂપાણી અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસને તપાસ માટે કડક આદેશ આપ્યા છે. ભરત પંડ્યાએ વધુમાં જણાવતા કહ્યું કે આ રાજકીય નહીં, સંવેદના અને ન્યાયનો વિષય છે. અને તેના માટે ભાજપ સરકાર સંપુર્ણ રીતે કટિબદ્ધ છે.
ગુજરાતના પત્રકાર ચિરાગ પટેલ હત્યાના કેસની તપાસ ગુજરાતની બહાર જ્યાં ભાજપ અને એનડીએની સરકાર ત્યાં સુપ્રીમ કોર્ટના સીજેઆઈની દેખરેખ હેઠળ કરવી જોઈએઃ ડૉ. પ્રવીણ તોગડિયા