ધારી ગીર પૂર્વની જસાધાર રેન્જ નીચે આવતા ખાપટ ગામમાં આજરોજ બપોરના સુમારે ચારથી વધુ સિંહોનું ટોળું લીલાછમ વાડી વિસ્તારમાં આવી ચડ્યું હતું અને ગામના છેવાડે આવેલ જુના પડતર મકાનોની અગાસી ઉપર જઈ ગરમીથી રાહત મેળવવા પવન ખાતા લોકોની નજરે ચડ્યું હતું. અહીં હાલ ભાદરવાની ગરમી પડી રહી છે ત્યારે અહીં ગરમીથી બચવા આ સિંહો સીમ વિસ્તારમાંથી આવી અહીં ગામના પડતર મકાનના ધાબા પર ચડી જતા ખાપટ ગામમાં થોડી વાર માટે ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા સ્થાનિક વન વિભાગને લોકો દ્વારા જાણ કરાઈ હતી. પરંતુ લોકોનો દેકારો જાણે સિંહોને પસંદ ન હોય તેમ સિંહોએ બે-ચાર કલાક મકાનની અગાસીમાં આરામ કર્યા બાદ ધીમે ધીમે ફરી સીમ વિસ્તારમાં ચાલતી પકડી હતી જેથી લોકોને હાશકારો થયો હતો. અવારનવાર સિંહો જંગલ વિસ્તારના ગામોમાં ઘુસી મારણ કરતા હોય છે પરંતુ ગામ આવેલ મકાનો પર ચડી બેસતા સિંહો પણ હવે માણસોથી ટેવાયેલા થઈ રહ્યાંનું પર્યાવરણવિદ્દ ચિરાગ આચાર્ય જણાવી રહ્યાં છે.