સ્વર્ણિમ પાર્કને મહાત્મા મંદિર પ્રકલ્પ અંતર્ગત જ નવેસરથી વિકસાવવામાં આવ્યા પછી તેનો નજારો બદલાઇ ગયો છે. સળંગ કરી દેવામાં આવ્યા બાદ ૨.૫ કિલોમીટરથી વધુ લંબાઇના આ ગાર્ડનની જાળવણી કરવાનું સરકારી તંત્રો માટે આસાન નહીં રહેતા હવે તેની જાળવણી માટે રૂપિયા ૫.૩૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને મેન્ટેનન્સની કામગીરી સત્તાવાર ટેન્ડર પ્રક્રિયા કરીને આ ક્ષેત્રની અનુભવી ખાનગી પેઢીને સોંપી દેવા નિર્મય લેવાની સાથે આ દિશામાં પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે.
નોંધવુ રહેશે કે એક સમયે ચ રોડથી ઘ રોડ વચ્ચેનો આ બગીચો સેન્ટ્રલ વિસ્ટા તરીકે ઓળખાતો હતો. મહાત્મા મંદિરની મહત્વાકાંક્ષી યોજનાની સાથે બાદમાં તેને જોડી દઇને ઘ રોડથી ગ રોડ અને ત્યાંથી ખ રોડ સુધી લંબાવી દેવાયો છે. તેમાં મહાત્મા મંદિરથી ઘ ૪ સર્કલ સુધીના ભાગ માટે જાળવણીનો ખર્ચ રૂપિયા ૨.૭૧ કરોડ અને ઘ ૪થી ચ ૪ સુધીના ભાગમાં જાળવણીનો ખર્ચ રૂપિયા ૨.૬૦ કરોડ અંદાજવામાં આવ્યો છે. મહાત્મા મંદિર પર અને વાઇબ્રન્ટ પ્રદર્શની સ્થળે સમયાંતરે યોજાતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના મેળાવડા યોજાતા હોય તેમાં દેશના અને વિદેશના મહેમાનો આવતા હોવાથી હવે સ્વર્ણિમ પાર્કની જાળવણીમાં કોઇ બાંધછોડ કરવાનું પોષાય તેમ નથી.
ન્યૂ ગાંધીનગરમાં કુલ ૧૨ નવા બગીચા બનાવવાની યોજના અંતર્ગત પેથાપુર, રાયસણ, કુડાસણ, સરગાસણ, વાવોલ અને ઉવારસદ વિસ્તારમા નવા બગીચા વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાત્મા મંદિર પ્રકલ્પ અંતર્ગત જ નવેસરથી વિકસાવવામાં આવ્યા પછી તેનો નજારો બદલાઇ ગયો છે.