શહેર સહિત રાજયભરમાં યંગસ્ટર્સ સહિત સૌકોઇએ ગઇકાલે હર્ષોલ્લાસ અને ઉમંગ-ઉત્સાહ સાથે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરી નવા ૨૦૧૮ના વર્ષને ઉમળકાભેર આવકાર્યું હતું અને તેના વધામણાં કર્યા હતા પરંતુ નવા વર્ષની ઉજવણી દરમ્યાન શરાબ અને શબાબના દોર પણ ચાલ્યા હતા. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળી કુલ ૧૭૦ વધુ દારૂડિયાઓને શહેર પોલીસે ઝડપી લીધા હતા. તો, યુવતીઓની છેડતી કરતાં દસથી વધુ રોમીયોને પોલીસે ઝડપી લઇ સપાટો બોલાવ્યો હતો અને ભાન ભૂલેલા આવા તત્વોને પાઠ ભણાવ્યો હતો. ન્યુ યરની ઉજવણીના ઓઠા હેઠળ યુવાધન દારૂ, સીગારેટ સહિતના નશાના રવાડે બરબાદ થઇ રહી હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા પણ સામે આવી હતી. જો કે, પોલીસે રાતભર પેટ્રોલીંગ કરી અસરકારક કામગીરી હાથ ધરી હતી.મ શહેરના સી.જી.રોડ, એસ.જી. હાઇવે, કાંકરિયા સહિતના સ્થળોએ તો યંગસ્ટર્સ સહિત અમદાવાદીઓ કિડિયારાની
જેમ ઉભરાયા હતા અને તા.૩૧મી ડિસેમ્બરની રાત્રિના બરોબર ૧૨ના ટકોરે જોરદાર ચિચિયારીઓ અને બૂમો પાડી ગુડબાય ૨૦૧૭
અને વેલકમ ૨૦૧૮ કહી નવા વર્ષનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. બરોબર રાત્રિના ૧૨ વાગ્યે શહેર સહિત રાજયભરમાં નાગરિકોએ ખાસ કરીને યુવા હૈયાઓએ ફટાકડા ફોડી, રંગબેરગીં આતશબાજી કરી, હવામાં ફુગ્ગાઓ ઉડાડી, નાચી-ઝુમી ૨૦૧૮ના નવા વર્ષને જોરદાર રીતે આવકારવા સાથે ધમાકેદાર ઉજવણી કરી હતી. થર્ટી ફર્સ્ટની ઉજવણી અને ન્યુ યરને લઇ શહેરની મોટાભાગની હોટલ-રેસ્ટોરન્ટ્સ, કલબો-ફાર્મહાઉસ અને પાર્ટીપ્લોટોમાં યુવા હૈયાઓ ડાન્સ પાર્ટી, નાચ-ગાન, ડિનર પાર્ટી સહિતના રંગારંગ કાર્યક્રમોમાં રાતભર મોજ માણતા રહ્યા હતા. તો બીજીબાજુ, શરાબ અને શબાબના નશામાં કોઇ અનિચ્છનીય બનાવ કે અઘટિત ઘટના ના ઘટે તે હેતુથી શહેર પોલીસ તંત્રએ પણ ખાસ આયોજન કર્યું હતું. જેમાં શહેર પોલીસની સંખ્યાબંધ ટીમો, હજારો પોલીસ જવાન અને મહિલા પોલીસની સાદા ડ્રેસમાં તૈનાત રહેલી ટીમો સી.જી રોડ, એસજી હાઇવે, કાંકરિયા, આઇઆઇએમ, નરોડા, નિકોલ સહિતના સ્થળોએ રાતભર પેટ્રોલીંગ કર્યું હતું. તો, બ્રેથ એનેલાઇઝર સાથે ચકાસણી કરી શહેરના પૂર્વ વિસ્તારમાંથી ૭૦ અને પશ્ચિમ વિસ્તારમાંથી ૧૦૦ મળી કુલ ૧૭૦થી વધુ દારૂડિયાઓને ઝબ્બે કર્યા હતા અને તેઓને જેલહવાલે કર્યા હતા. દારૂડિયા તત્વોને પકડવા માટે પોલીસ દ્વારા આ વખતે ખાસ દારૂ પીધેલાઓને પકડવા માટેની વાન શહેરના વિવિધ વિસ્તારોમાં અને માર્ગો પર ફરતી રાખવામાં આવી હતી, જેમાં મોટાપાયે દારૂડિયાઓને પકડી પકડી જેલ હવાલે કરાયા હતા. તો મહિલા ક્રાઇમબ્રાંચની સાદા ડ્રેસમાં તૈનાત મહિલા પોલીસની ટીમોએ યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતાં દસ જેટલા રોમીયોને ઝડપી તેઓને જેલભેગા કરી પાઠ ભણાવ્યો હતો. લુખા-રોમીયો તત્વોને ઝડપી લેવા માટે મહિલા પોલીસની અલગ-અલગ ૧૪ ટીમો બનાવવામાં આવી હતી, જે જુદા જુદા વિસ્તારમાં અને શહેરના માર્ગો પર પેટ્રોલીંગ કરતી રહી હતી.
કયા કયા વિસ્તારોમાંથી દારૂડિયા પકડાયા..
નવા વર્ષની ઉજવમી જોરદાર રીતે કરવામાં આવી હતી. ગઇકાલે મોડી રાત્રે નવા વર્ષનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શહેરનમા જુદા જુદા વિસ્તારમાંથી દારૂડિયાની ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ વિસ્તારમાં વસ્ત્રાપુર પોલીસમથકમાં ૧૦, સોલામાં બે, ઘાટલોડિયામાં બે, નારણપુરમાં ૬, નવરંગપુરામાં ૧૫, સાબરમતીમાં પાંચ, ગુજ.યુનિ.માં ચાર, એલિસબ્રીજમાં ૧૧, સેટેલાઇટમાં ચાર અને ચાંદખેડા-માધુપુરામાં એક-એક સહિત કુલ ૯૯થી વધુ દારૂડિયા ઝડપી લેવાયા હતા. આ જ પ્રકારે પૂર્વમાં ઓઢવમાં ૧૨, નિકોલમાં ૧૨, શાહીબાગ પોલીસમથકમાં ૬ સહિત ૬૮થી વધુ દારૂડિયા પકડી જેલ હવાલે કરાયા હતા.
આમ, શહેરભરમાં આશરે ૧૭૦થી વધુ દારૂડિયાઓ વિરૂધ્ધ શહેર પોલીસે સપાટો બોલાવી તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.