નાણાં ખાતુ સૌરભ પટેલને ફાળવવામાં નીતિન પટેલની નારાજગીને અંતે હાઈકમાન્ડે દરમિયાનગીરી તેમને નાણા ખાતું નીતિન પટેલને સોંપવામાં આવતા તેમની નારાજગી તો દૂર થઈ ગઈ પણ એવી આશંકા સેવાતી હતી કે આમ થવાથી કદાચ સૌરભ પટેલ નારાજ ન થઈ જાય. આ મામલે સૌરભ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે પાર્ટીના હિતમાં નિર્ણય લેવાયો છે. તે નીતિન પટેલને નાણાં ખાતું સોંપાતા નારાજ નથી.
સૌરભ પટેલે વધું સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સીએમ રૂપાણી સાથે ટીમ બનાવીને બજેટ આપીશું. જ્યાં સુધી ઉર્જા વિભાગની વાત છે તો વર્ષ ૨૦૦૨થી તેઓ ઉર્જા વિભાગ સંભાળતા હતા. તેમના નેતૃત્વમાં ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ ઉર્જા ક્ષેત્રે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
સૌરભ પટેલે વધુંમાં કહ્યું હતું કે ભવિષ્યમાં નવા પ્લાન્ટ અંગેનું આયોજન કરીશું. ઉર્જાક્ષેત્રે બદલાવનો લાભ ગુજરાતને મળે તેવી કામગીરી કરીશું. ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થાય તેવી યોજના પૂર્ણ કરીશું.
ભાજપ સરકારમાં ઘીના ઠામમાં ઘી પડી રહ્યું છે. આજે બાકી રહેલા પ્રધાનો પોતાનો પોર્ટફોલિયો સંભાળી લેશે. ગાંધીનગર આજથી પૂર્વવત ધમધમવા લાગશે., તેમ આધારભૂત સૂત્રો પાસેથી જાણકારી મળી હતી. સીએમ રૂપાણી પણ આજે પોતાનો કાર્યભાર સંભાળશે તેમ જાણવા મળ્યું છે.