નવા વર્ષમાં ઠંડીનો ચમકારો નલિયા તાપમાન ૪.૯ ડિગ્રી

874
guj212018-2.jpg

ગુજરાતભરમાં લોકોને બેઠા ઠારનો અનુભવ થઈ રહ્યો છે. ગાત્રો થિજાવતી ઠંડીમાં લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા હતા અને નવ વર્ષને વધાવ્યું હતું. શિયાળો પુરજોરમાં છે. કડકડતી ટાઢમાં લોકો તાપણા સળગાવીને ઠંડી સામે રાહત મેળવી રહ્યાં છે. લોકોએ 
નવવર્ષની પ્રભાતે સખત ઠંડીના અને બેઠા ઠારનો અનુભવ કર્યો હતો. પાંદડું પણ હલે નહિં છતાં ટાઢથી થરથર કાંપીએ એવી ઠંડીનો અનુભવ થયો હતો. ગુજરાતમાં ઠંડીને કારણે તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો. નલીયા ૪.૯ સેલ્સિયસ ઠંડી સાથે ગુજરાતનું સૌથી ઠંડુંગાર શહેર નોંધાયો હતો.
શિયાળાના સૌથી વધુ ઠંડીના પોષ માસમાં બેઠા ઠાર સાથે ઠંડીએ જમાવટ કરી છે. સતત ઠંડીના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી રહી છે. ૩૧મી ડિસેમ્બરે રાજ્યમાં આજે સૌથી વધુ ઠંડી નલિયામાં ૬.૪ ડિગ્રી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદમાં ૧૨.૯ ડિગ્રી ઠંડી સાથે પવનની પણ ગતિ રહેતા લોકો ધ્રુજી ઉઠયાં હતા. હજુ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત બરફ વર્ષા અને માઈનસમાં ચાલ્યા ગયેલા તાપમાનની અસર તળે ઉત્તરીય પવનથી સમગ્ર ગુજરાત ઠંડીની આગોશમાં આવી ગયું છે. રાત્રિના તાપણાં અને ઓળા-રોટલાની પાર્ટીઓ જામે છે. સવારે મોર્નિંગ વોક કરનારા અને કસરત કરનારાની સંખ્યામાં વધારો જોવા મળે છે. સતત નીચા તાપમાનના કારણે લોકો બેઠા ઠારનો અનુભવ કરી રહ્યાં છે. ગઈકાલે રાત્રિથી જ પવનની ગતિ વધુ રહેવાના કારણે ઠંડીની તીવ્રતા અનુભવાઈ હતી.

Previous articleગીરમાં ચંદન ચોર ટોળકીની અટકાયત…
Next articleફી નિયમન એક્ટ સુપ્રીમ કોર્ટમાં કેવિએટ દાખલ કરશે રાજ્ય સરકાર