કેડિલાબ્રિજ પર પુરઝડપે પસાર થઇ રહેલી ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને હડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે તેના પતિ અને બાળકને ઇજા પહોંચતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓઢવમાં આવેલ રાજેન્દ્રપાર્ક સોસાયટીમાં રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા અમૃતભાઇ મૌર્ય તેમનાં પત્ની સીમાબહેન અને ચાર વર્ષના પુત્ર સાથે આજે સવારે એક્ટિવા લઇને એક પ્રસંગમાં જતાં હતાં.
અમૃતભાઇ એક્ટિવા લઇને જશોદાનગર ચોકડી પાસે આવેલા કેડિલાબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પુરઝડપે આવી રહેલી ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર વાગતાં અમૃતભાઇએ તેમના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ત્રણેય જણા જમીન પર પટકાયાં હતાં.
જમીન પર પટકાતાંની સાથે સીમાબહેનનું ઘટના સ્થળે મોત થયું હતું ત્યારે અમૃતભાઇ અને તેમના પુત્રને સામાન્ય ઇજા પહોંચતાં તેમને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે એલ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક્ટિવાને ટક્કર મારીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
પોલીસે આ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. સવારે થયેલા આ અકસ્માતને કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકને ક્લિયર કર્યો હતો.