ગાંધીનગર શહેરમાં હોર્ડિગ્સ લગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા હોર્ડિગ્સ માટે એજન્સી નિયત કરી દેવામાં આવી છે ત્યારે શહેરમાં કોઈપણ સ્થળે લાગતાં હોર્ડિગ્સ ગેરકાયદે છે ત્યારે આવી સ્થિતિમાં ગેરકાયદે હોર્ડિગ્સનો રાફડો ફાટતાં ગાંધીનગર કોર્પોરેશનની દબાણ શાખાએ હોર્ડિગ્સ હટાવવાની કામગીરી શરૃ કરી હતી અને સાંજ સુધીમાં પ૦થી વધુ મોટા હોર્ડિગ્સ ઉતારી લીધા હતા. તો સે-ર૧માં દબાણ હટાવવાની કામગીરી પણ શરૃ કરવામાં આવી હતી.
રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દબાણોનો પ્રશ્ન વર્ષોથી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ગાંધીનગરમાં દબાણો હટાવવાની જવાબદારી હાઈકોર્ટે ગાંધીનગર મહાનગરપાલિકાને સોંપી દીધી છે. જો કે ચૂંટણીના કારણે આ કામગીરી અટકી પડી હતી. જેના કારણે શહેરમાં ઠેકઠેકાણે દબાણોનો રાફડો ફાટયો હતો. એટલું જ નહીં ગાંધીનગર શહેરમાં ગેરકાયદે હોર્ડિગ્સનો પણ રાફડો ફાટેલો છે.
કોર્પોરેશન દ્વારા હોર્ડિગ્સ માટે એજન્સી નિયત કરી દેવામાં આવી છે અને આ એજન્સીએ લગાડેલા હોર્ડિગ્સ ઉપર જ કોઈ પણ સંસ્થા જાહેરાત કરી શકે છે. શહેરમાં વધેલા દબાણો અને હોર્ડિગ્સ હટાવવા માટે આખરે મ્યુનિ.કમિશનર દ્વારા અધિકારી મહેશ મોડને જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ આજે તેમની દબાણ શાખાની ટીમ દ્વારા શહેરમાં વિવિધ માર્ગો ઉપર લાગેલા ગેરકાયદેસર હોર્ડિગ્સ હટાવવામાં આવ્યા હતા તો શહેરના સે-ર૧માં ર્પાકિંગ પ્લેસમાં ઉભા થયેલા દબાણો પણ હટાવી દેવામાં આવ્યા હતા. આગામી સમયમાં આ દબાણ હટાવ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવનાર છે.