ગત શનિવારે એટલે ૧૬મી માર્ચનાં રોજે ખાનગી ન્યૂઝ ચેનલનાં કોપી એડિટરનો સળગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. જે પછી આખા મીડિયામાં ચકચાર મચી ગઇ છે. સોશિયલ મીડિયા પર પણ ઈંજસ્ટીસ ફોર ચિરાગનાં હેશટેગથી લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. પરંતુ પોલીસને આ મામલામાં કોઇ ભેદ ન ઉકેલી શકતા પોલીસ કમિશ્નરે આ ગંભીર કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીઘી છે. આજે ક્રાઇમ બ્રાંચ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ટેક્નોલોજીની મદદથી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન શરૂ કર્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. તેઓ હત્યા અને આત્મહત્યા વચ્ચેનો કોયડો ઉકેલવા બંન્ને ટીમો લાગી ગઇ છે.
આ મામલામાં એક ખુલાસો પણ થયો હતો કે ચિરાગે બે સાંસદનું લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ ભંડોળ ક્યાં ક્યાં વપરાયું તેની આરટીઆઇમાં માહિતી માગી હતી. ત્યારે જ ચિરાગ પટેલનું શંકાસ્પદ મોત થતાં તેના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેની હત્યા તે જ સાંસદે કરાવી છે. બીજી તરફ ઝોન-૫ના ડીસીપી અક્ષયરાજે આપઘાત કર્યો હોવાની શક્યતા હોવાની જાહેરાત કરી હતી.