તાજેતરમાં એનસીપીમાં જોડાનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પીઢ રાજકારણી શંકરસિંહ વાઘેલાએ આજે ફરી એકવાર પોતાનો બળાપો કાઢયો હતો કે, તેઓ આ વખતની લોકસભા ચૂંટણીમાં લડવાના નથી પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે, આ વખતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર પણ નહી. આવે. વાઘેલાએ ભાજપ અને મોદી સરકાર પર ફરી એકવાર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, પ્રજાના પ્રાણપ્રશ્નો ઉકેલવામાં અને લોકોની અપેક્ષાઓ સંતોષવામાં મોદી સરકાર અને ભાજપ બંને નિષ્ફળ ગયા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા દ્વાર આજે એક નિવેદન મારફતે સ્પષ્ટ કરાયું હતું કે, તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા. પરંતુ તેની સાથે તેમને દાવો પણ કર્યો હતો કે, કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર નહીં આવે. તેમણે કહ્યું કે ભાજપ આ વખતે ફક્ત ૧૫૦ સીટો જ જીતી શકશે. ભાજપ સિવાયના દળોને ૩૫૦ જેટલી સીટો મળશે. શંકરસિંહ વાઘેલાએ આ વાતો એનસીપી કાર્યાલયના ઉદ્ઘાટન દરમ્યાન જણાવી હતી. વાઘેલાએ આગામી લોકસભા ચૂંટણી લઇને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું કે, મારી ઈચ્છા ચૂંટણી લડવાની નથી, પરંતુ તેઓ એનસીપીને મદદ ચોક્કસ કરશે. આપને જણાવી દઈએ કે એનસીપી સાથે જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલા દ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ લોકસભા ચૂંટણી લડશે, પરંતુ હવે વાઘેલાએ જાતે જ ચૂંટણી લડવાની ના પાડી છે. આમ વાઘેલા પોતાનું નિવેદન અને વલણ વારેઘડીયે બદલી રહ્યા હોવાથી તે વાતને લઇને પણ ભારે ચર્ચા ચાલી છે.