લુપ્ત થતી ચકલીઓને બચાવવા મુક્તિધામના કર્મચારી ઓએ પોતાના પગારમાંથી ૪૦૦ નંગ માટલીના ગડા બનાવીને તેને કાણાં પાડીને અંદાજે ૫૦ જેટલા ઝાડ ઉપર લગાવ્યા છે. પક્ષી ઘર માટે મુક્તીધામના કર્મચારીઓ તેમજ લાયબ્રેરીમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓએ યથાશક્તિ ફાળો આપ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી પક્ષીઓને બચાવવા માટે મુક્તિધામના કર્મચારીઓ દ્વારા કાર્ય કરવામાં આવે છે.
વર્તમાન મોબાઇલના વધતા જતા ઉપયોગને પગલે ઠેર ઠેર ટાવરો ઉભા કરવામાં આવી રહ્યા છે. ટાવરોમાંથી નિકળતા રેડિયશનને પગલે ચકલીઓ લુપ્ત થઇ રહી છે. ઉપરાંત વિકાસના નામે વૃક્ષો કાપીને પર્યાવરણને પણ નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
આથી ઘર આંગણાનું પક્ષી ચકલીના અસ્તિત્વ ઉપર ખતરો તોળાઇ રહ્યો છે. છેલ્લા દસ વર્ષમાં ચકલીઓની સંખ્યામાં ૭૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. હાઉસ સ્પેરોને બચાવવા માટે વિશ્વના દેશો વિશ્વ ચકલી દિવસની ઉજવણી તારીખ ૨૦મી, માર્ચના રોજ કરવામાં આવે છે. ત્યારે ચકલીને બચાવવા માટે નગરના સેક્ટર-૩૦માં આવેલા મુક્તીધામમાં કોન્ટ્રાક્ટર બેઝ ઉપર નોકરી કરી રહેલા કર્મચારીઓએ ૪૦૦ નંગ માટલી બનાવી હતી.