પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીનું કિડનેપ કરી, ઝાડ સાથે બાંધી માર મારી ફેંકી દીધો

606

ધિણોજની એન.એચ. સાર્વજનિક સ્કૂલમાં ધોરણ-૧૨નું અગ્રેજીનું પેપર આપવા ગયેલા મહેસાણાના વિદ્યાર્થીનું શાળા સંકુલમાંથી બે શખ્સો બાઇક પર અપહરણ કરી ખેતરમાં ઝાડ સાથે બાંધી ધોકાથી અસહ્ય માર મારવાની ઘટનાએ ચકચાર જગાવી છે. વિદ્યાર્થીના શરીર પર પડેલા મારના નિશાનજોઇ તેની માતાએ કરેલી પૂછપરછમાં મામલો બહાર આવ્યો હતો. મહેસાણા સિવિલમાં સારવાર માટે દાખલ વિદ્યાર્થીનું ચાણસ્મા પોલીસે નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ કરી છે. દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ટિ્‌વટ કરીને ઘટનાને વખોડી છે.તેણે કહ્યું કે ચોકીદાર ઉંધી ગયો છે.

શું છે સમગ્ર ઘટનાઃ મહેસાણામાં સોમનાથ રોડ સ્થિત પંડિત દિનદયાળ નગર (ગુજરાત હાઉસિંગ બોર્ડ)માં રહેતો મિત નરેશભાઇ ચાવડા લણવા હાઇસ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષામાં તેનો ધિણોજ એન.એચ. સાર્વજનિક સ્કૂલમાં નંબર આવેલો હોઇ સોમવારે બપોરે ૧૨-૧૫ વાગ્યે ગણિતનું પેપર આપવા ઘરેથી નીકળ્યો હતો. શાળા પ્રવેશ પહેલાં લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓનું ચેકિંગ ચાલતું હતું, તે સમયે એક યુવાન તેની પાસે આવી આમ આવ તારું કામ છે તેમ કહી શાળાના ઝાંપા સુધી લઇ ગયો હતો અને અહીં અગાઉથી ઉભેલા તેના અન્ય એક સાગરિત સાથે મળી તેનું બળજબરી પૂર્વક બાઇક પર અપહરણ કરી ગયા હતા. ધિણોજથી ગોરાદ વચ્ચેના એક ખેતરમાં લઇ જઇ તેને ઝાડ સાથે દોરડાથી બાંધી ધોકા વડે અસહ્ય માર માર્યો હતો.

મારની પીડાથી કણસતા વિદ્યાર્થીએ છોડી દેવા કરેલી કાકલૂદી વચ્ચે અજાણ્યા બે શખ્સોએ બીજા બે પેપર આપવા આવ્યો તો તને અને તારા મા-બાપને મારી નાખીશું તેવી ધમકી આપી તેને રોડ પર દોડાવી- દોડાવીને માર્યો હતો. ત્યારબાદ અપહરણકારોથી માંડ બચીને નેળિયાના માર્ગે મહેસાણા ઘરે પહોંચેલા મિતે ભયભીત હાલતમાં પરિવારને ઘટનાની જાણ કરવાનું ટાળ્યું હતું. પરંતુ, બુધવારે ન્હાઇને બહાર આવતાં તેની પીઠ, હાથ અને પગની જાંઘો પર પડેલા મારના નિશાન જોઇ તેની માતા ચીસ પાડી ઉઠી હતી અને પૂછપરછમાં આ ઘટના પ્રકાશમાં આવી હતી. ગંભીર હાલતમાં સિવિલમાં લવાયેલા વિદ્યાર્થીનું ચાણસ્મા પોલીસે મોડી સાંજે નિવેદન લઇ બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

Previous articleમુક્તિધામના કર્મીઓએ વર્લ્ડ સ્પેરો ડે નિમિત્તે ૪૦૦ પક્ષી ઘર ગોઠવ્યા
Next articleપેથાપુરના ATMમાં ચોરી કરવા જતો શખસ પકડાયો