લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ૧૮૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીની સીટ ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડશે. આ સિવાય લખનઉથી રાજનાથ સિંહ, નાગપુરથી નિતિન ગડકરી અને અમેઠીથી સ્મૃતિ ઈરાનીને ઉમેદવાર જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી જય પ્રકાશ નડ્ડાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં આ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આ યાદીમાં ઉત્તર પ્રદેશના ૨૮, મહારાષ્ટ્ર ૧૬, આસામ આઠ, અરુણાચલ પ્રદેશના બે, છત્તીસગઢ અને જમ્મુ-કાશ્મીરથી પાંચ-પાંચ, દાદરા નગર હવેલીથી એક, કર્ણાટકથી ૨૧ ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. હાલ શાહ રાજ્યસભા સાંસદ છે. પહેલીવાર લોકસભા ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ ઉધમપુરથી લોકસભા ચૂંટણી લડશે. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ મોદિનીપુર, કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયો આસનસોલથી ચૂંટણી લડશે. નડ્ડાએ જણાવ્યું કે, પાર્ટીએ બિહારથી પાર્ટીનાં તમામ ૧૭ ઉમેદવારોનાં નામને આખરી ઓપ આપ્યો.
આ ઉપરાંત સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે. તો કેશવપ્રસાદ મૌર્યના પુત્રી સંઘમિત્રા મૌર્યને બદાયુંથી ટિકિટ મળી છે. હેમા માલિની મથુરાથી તો સત્યપાલ સિંહ બાગપતથી ચૂંટણી લડશે. ગાઝિયાબાદથી વી.કે. સિંહ, ગૌતમબુદ્ધ નગરથી મહેશ શર્મા ઝંપલાવશે.
લોકસભાની ચૂંટણીમાં મતદાન ૧૧મી એપ્રિલે શરૂ થવાનું છે અને ૧૯મી મેએ પૂરું થશે. મતગણતરી ૨૩મી મેએ થવાની છે.લોકસભાની ૫૪૩ બેઠકનું મતદાન ૧૧મી એપ્રિલ, ૧૮મી એપ્રિલ, ૨૩મી એપ્રિલ, ૨૯મી એપ્રિલ, છઠ્ઠી મે, બારમી મે અને ૧૯મી મેએ યોજાવાનું છે.
પહેલી યાદીમાં યુપીનાં આશરે ૩૫ ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદી પોતાની વારાણસી સીટ પરથી જ ચૂંટણી લડશે જ્યારે લાલકૃષ્ણ અડવાણીની ફીક્સ ગણાતી ગાંધીનગર સીટ કપાઇ છે અને તે સીટ પરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લડાવવામાં આવશે.