પર્યાવરણ બચાવવા માટે સતત પ્રયત્નશીલ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા વર્લ્ડ સ્પેરો ડેના દિવસે લોકોને વિનામુલ્યે ચકલીના માળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. માળો મેળવવા માટે લોકોમાં એટલો ઉત્સાહ હતો કે માત્ર ૧ કલાકમાં જ તમામ ૧પ૦૦ માળાનું વિતરણ થઈ ગયું હતું. માળાનો સ્ટોક ખલાસ થઈ જતા ૬ વાગ્યા પછી ઘણા બધા લોકોને માળો લીધા વિના પરત જવું પડ્યું હતું. આ અંગે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠએ દીલીગીરી વ્યકત કરતા જણાવ્યું હતું કે અમારી ધારણા કરતા ખુબ જ મોટી સંખ્યામાં લોકો માળો પ્રાપ્ત કરવા આવ્યા હતાં. જેથી ૧પ૦૦ માળાનો સ્ટોક તરત ખલાસ થઈ ગયો હતો. પરંતુ હવે થોડા જ દિવસોમાં ગ્રીનસીટી દ્વારા ફરીવાર માળાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવશે. આ માળાનું વિતરણ અંકુર વીશિષ્ટ બાળકોની શાળાના વિદ્યાર્થીઓ તથા દેવેનભાઈ શેઠની નાનકડી પૌત્રી સ્વરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રીનસીટીના અચ્યુતભાઈ મહેતા, જયંતભાઈ મહેતા, અલકાબેન મહેતા, ઝેક ઝાલા, મીલી શેઠ વિગેરે સભ્યો હાજર રહ્યા હતાં.