ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ ટીમ દ્વારા તરસમીયા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરી મોટાપાયે તંત્રની જમીન પર કરવામાં આવેલ દબાણો હટાવી ટીપી રોડની જમીન દબાણ મુક્ત કરી હતી.
શહેરના નવા સીમાંકનમાં આવરી લેવામાં આવેલ તરસમીયા ગામના રોડ પર લાંબા સમયથી ટીપી સ્કીમની જમીન પર આડેધડ દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. જેમાં મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા દબાણ કર્તાઓને નોટીસો પાઠવી બાંધકામો દુર કરવા તાકીદ કરી હતી. મુદ્દત વિતવા છતાં આસામીઓએ જમીન ખાલી ન કરતા બીએમસીના દબાણ હટાવ સેલ દ્વારા અધિકારીઓ કર્મચારીઓ તથા પોલીસ પ્રોટેક્શન સાથે તરસમીયા ખાતે પહોંચી જેસીબી દ્વારા ગેરકાયદે ઉભા કરાયેલ. મકાનો દુકાનો, લારી, ગલ્લા સહિતના દબાણ જમીનદોસ્ત કર્યા હતા. એસ્ટેટ વિભાગની તવાઈના પગલે દબાણકર્તા આસામીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો અને ટીમને નિહાળી પોતાનો માલસામાન સગેવગે કરવા દોડધામ વધારી હતી. બપોર સુધીમાં તંત્રએ તમામ દબાણો દુર કરી ટીપી સ્કીમ હેઠળની જમીન રોડ ખુલ્લા કર્યા હતા.