ગુરૂવારે જ્યાં આખો દેશ એકતા અને પ્રેમ સાથે હોળીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યાં હરિયાણાના ગુરૂગ્રામમાં કેટલાક લોકોએ મળીને મુસ્લિમ પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. મળતી જાણકારી પ્રમાણે, હથિયાર લઇને આવેલા ૨૦ લોકોએ ભૂપસિંહનગરમાં મોહમ્મદ દિલશાદના મકાનમાં ઘૂસી જઈ તેમને પાકિસ્તાન જતા રહેવાની ધમકી આપી હતી. આ અંગે મોહમ્મદ દિલશાદે પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે, ૨૦ લોકોના એક સમૂહે પહેલા તો ઘર પર પથ્થરોથી હુમલો કર્યો હતો અને તેમની બાઇક પણ તોડી નાખી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મોહમ્મદ દિલશાદને આ લોકો મારી રહ્યા હતા ત્યારે કેટલીક વૃદ્ધ મહિલાઓ આ લોકો પાસે દયાની ભીખ માગી રહી હતી.
દિલશાદ મૂળ ઉત્તરપ્રદેશના બાગપતનો રહેવાસી છે અને ગુરૂગ્રામમાં કુલર વેચવાનું કામ કરે છે. તેણે ચાર વર્ષ પહેલા અહીં ઘર બનાવ્યું હતું.
આ વિસ્તારમાં ચારથી પાંચ મુસ્લિમ પરિવારો રહે છે.
પોલીસે ઘટના અંગે કહ્યું હતું કે, આ વિવાદ ક્રિકેટથી શરૂ થયો હતો. દિલશાદ અહીં હોળીના દિવસે બપોરે ત્રણ વાગ્યે પડોશીઓ સાથે ક્રિકેટ રમી રહ્યો હતો અને એ જ સમયે ૯ છોકરાઓ ત્રણ બાઇક પર આવીને કહેવા લાગ્યા હતા કે, તમે લોકો અહીં શું કરો છો? જાઓ પાકિસ્તાન. ત્યારબાદ દિલશાદ ક્રિકેટ છોડીને ઘરે આવી ગયો હતા. પરંતુ ત્યારબાદ મોટી સંખ્યામાં હુમલાખોરોએ આવીને હુમલો કરી દીધો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, હુમલાખોરો ઘરમાંથી ૨૫,૦૦૦ રૂપિયા, એક સોનાની ચેન અને એક જોડી કાનની બુટ્ટી પણ લઇને જતા રહ્યા હતા. જતા જતા હુમલાખોરોએ ગાડીઓ પણ તોડી નાંખી હતી.
પોલીસે આ મામલે છ લોકોની ધરપકડ કરી છે. તમામને હત્યાના પ્રયાસનાં આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, ’અમે હત્યાનાં પ્રયાસ અને અન્ય કાયદાની કલમો હેટળ મામલો દાખલ કર્યો છે અમે અત્યાર સુધીમા છ લોકોની ધરપકડ કરી છે. વીડિયોનાં આધારે અન્ય હુમલાખોરોની ઓળખનો પ્રયાસ થઇ રહ્યો છે.