લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપે શુક્રવારે ૩૫ ઉમેદવાર સાથેની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં ૨૩ ઉમેદવારો આંધ્ર પ્રદેશના છે, જ્યાં પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલે મતદાન યોજાશે. ઉમેદવારોની યાદી મોડી રાત્રે જાહેર કરાઈ હતી. આ યાદીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાની જગન્નાથ પુરી બેઠકથી ઉમેદવાર જાહેર કરાયા છે. આંધ્ર પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્રના છ ઉમેદવારો અને ઓડિશાના પાંચ ઉમેદવારોના નામ આ યાદીમાં છે. આ યાદીમાં આસામ અને મેઘાલય બેઠકના એક-એક ઉમેદવારોના નામ પણ સામેલ છે. ભાજપે અગાઉ ધૂળેટી પર ધડાકો કરતા ૧૮૪ ઉમેદવારોના નામ સાથેની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેથી હવે ભાજપે લોકસભા ચૂંટણી માટે કુલ ૨૨૦ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ૫૧ ઉમેદવારો, ઓડિશા વિધાનસભા ચૂંટણીના ૨૨ ઉમેદવારો તેમજ મેઘાલયની સેલસેલા વિધાનસભા ક્ષેત્રની પેટા ચૂંટણીના એક ઉમેદવારના નામની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસે ટિકિટ ફાળવણીનું ચિત્ર સ્પષ્ટ કરતા ૩૫ ઉમેદવારો સાથેની સાતમી યાદી શુક્રવારે રાત્રે જાહેર કરી હતી. આ યાદીમાં ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરને મુરાદાબાદને બદલે ફતેહપુર સીકરીથી ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે.
અભિનેતા રાજ બબ્બરને અગાઉ મુરાદાબાદથી ચૂંટણી લડાવવાની જાહેરાત કરાઈ હતી પરંતુ આ બેઠક પરથી પક્ષે ઈમરાન પ્રતાપગઢીને ઉતાર્યા છે. પાર્ટીના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રેણુકા ચૌધરી તેલંગણાની ખમ્મામ બેઠક પરથી ચૂંટણી લડશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન કરણસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહને જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે ઓડિશા વિધાનસભા ચૂંટણી માટેના ૫૪ ઉમેદવારોની યાદી પણ જાહેર કરી હતી.