વિક્ષેપ અને તેનું સમાધાન

966

ભગવાન સ્વામિનારાયણની શ્રીમુખની વાણી વચનામૃતમાં પ્રશ્નોત્તરરૂપે અને શ્રીહરિના કૃપાવાક્યરૂપે જે કાંઈ પ્રસ્તુત થયું છે, તેમાં આધ્યાત્મિક માર્ગમાં તથા રોજિંદા જીવનમાં ઉપસ્થિત થતી સમસ્યાઓનાં સમાધાન છે. અહીં આજે આપણે ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં ઉદ્બોધેલ ગઢડા મધ્ય પ્રકરણના ૬૦મા વચનામૃત પર વિચાર વિમર્શ કરીશું.

આ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણના પરમહંસ મુક્તાનંદ સ્વામી તેમને પ્રશ્ન પૂછે છે, “હે મહારાજ! આ સંસારને વિષે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરમાં સુખ રહે?” આ ઉત્તરને સમજતાં પહેલાં આપણે સંસારના સ્વરૂપને સમજીએ.

ક્યારેક સંસારમાં વીણાની મધુર સૂર સંભળાય છે તો ક્યારેક કોઈનો કરુણ આક્રંદ, ક્યારેક વિદ્વાનોની ગોષ્ઠી તો ક્યારેક દારુ પીને છકટા થયેલા તોફાન, ક્યારેક સુંદર સ્ત્રીઓ નજરે ચઢે છે, તો ક્યારેક વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત શરીર, ખબર નથી પડતી કે સંસાર અમૃતમય છે કે વિષમય છે?

આપણું સાંસારિક જીવન પણ આવું જ છે. બે અંતિમો વચ્ચે ફસાયેલ માનવને વિક્ષેપો, વિઘ્નો અને પ્રશ્નો સતત સતાવે છે. “બાર સાંધે ત્યાં તેર તૂટે” એવી પરિસ્થિતિ છે.

એટલે જ કહ્યું છે કે ‘રેખામાં રહ્યો લગોલગ બિંદુઓનો ફાળો, જીવન બીજું કાંઈ નહીં પણ પ્રશ્નોનો સરવાળો.’ અને આ પ્રશ્નોને લીધે જ બધા દુઃખી છે. મુક્તાનંદ સ્વામી સંસારની સત્યતા છતી કરતાં કહે છે, “રાજા ભી દુઃખિયા રંક ભી દુઃખિયા, ધનપતિ દુઃખિત વિકાર મેં.”

દુઃખમાં આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણ તાપ જીવપ્રાણીમાત્રને દઝાડે છે. આધિદૈવિક એટલે દેવ સંબંધી આપદા જેમાં અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ વગેરે આવે. આવી આફત સામે માણસ લાચાર છે. બીજું છે આધિભૌતિક એટલે પૃથ્વી પરના મનુષ્યો સંબંધી દુઃખ. જેમ કે આતંકવાદ, ચોરી, લૂંટફાટ વગેરે માનવસર્જિત દુઃખ છે અને આધ્યાત્મિક એટલે મનનાં દુઃખ. મનનું દુઃખ એટલે સ્વભાવોનું, ગ્રંથિઓનું અને અપેક્ષાઓનું દુઃખ, જેને લઈને માણસ અંદર ને અંદર અડધા બળેલા લાકડાંની જેમ ધુંધવાયા કરે છે.

મુક્તાનંદ સ્વામી એવો પ્રશ્ન નથી પૂછતા કે દુઃખ જ ન રહે અથવા દુઃખ આવે જ નહીં; પણ કઈ સમજણ રાખે તો પણ આ વિક્ષેપો વચ્ચે સુખી રહેવાય, સ્થિર રહેવાય એવો પ્રશ્ન પૂછે છે. જેમ ઓપરેશન વખતે દર્દીને એનેસ્થેશિયા આપવામાં આવે છે. ત્યારે તેના પર ઓપરેશન થતું હોવા છતાં દુઃખનો અનુભવ થતો નથી. તેમ અહીં વિક્ષેપો વચ્ચે કેવી સમજણ કેળવવી તે પૂછ્યું. બીજું અહીં એ પણ જોવા મળે છે કે દુઃખ તો ભગવાનને ભજતા ભક્તોને પણ આવે છે.

આ પ્રશ્નના ઉત્તરરૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે, “આનો ઉત્તર જેમ અમને વર્તાય છે તેમ કહીએ છીએ.” આ કોઈ મનની કલ્પના નહીં પરંતુ નક્કર અનુભવની વાત છે, કારણ કે સ્વયં પરમાત્મા અનંતના અનુભવને જાણે છે. છતાં પોતાના જીવનમાં દુઃખોને સ્વીકારે છે. જેથી આપણા સહુ માટે એક દીવાદાંડીરૂપ બની રહે. એવો આદર્શ પૂરો પાડે છે. તેઓ કહે છે, “પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા તેનું જે નિરંતર અનુસંધાન તથા માયિક એવા જે પદાર્થમાત્ર તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના માહાત્મ્યજ્ઞાનનું જે અનુસંધાન એ ત્રણે કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી.”

અહીં ત્રણ સમજણ અથવા ત્રણ વિચારો ભગવાન સ્વામિનારાયણ આપે છે. આત્મવિચાર, સાંખ્યવિચાર અને મહિમાનો વિચાર. ટૂંકમાં કહી શકાય કે જીવ, જગત અને જગદીશનો વિચાર આપે છે.

શું છે આ વિચારો, કઈ રીતે તેને આપણા જીવનમાં અપનાવવા તેની મીમાંસા હવે પછીના અંકમાં જોઈશું.(ક્રમશઃ)

 

Previous articleકોંગ્રેસના પડકારો : ફેઈસ, ફોર્સ, અને ફંડ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે