બિહાર : ગિરીરાજ અને કનૈયા કુમાર વચ્ચે સીધી ટક્કર રહેશે

531

લોકસભા ચુંટણીમાં બિહારની બેગુસરાય સીટ ઉપર સ્પર્ધા ખુબ જ રોમાંચક થનાર છે. ભાજપના આક્રમક નેતા ગિરીરાજસિંહની ટક્કર જેએનયુના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર સાથે થનાર છે. યુવા લીડર કનૈયા કુમાર સીપીઆઈની ટિકિટ ઉપર બેગુસરાયથી લોકસભા ચુંટણી લડનાર છે. આ અંગેની જાહેરાત સીપીઆઈ નેતા સુધાકર રેડ્ડી કરી ચુક્યા છે. કનૈયા કુમારને એક કટ્ટરપંથી યુવા લીડર તરીકે ગણવામાં આવે છે. બિહારની આ હોટ સીટ ઉપર ભાજપની સામે ઘણા પડકારો રહેલા છે. આ સીટ પહેલાથી જ સીપીઆઈના ગઢ તરીકે રહેલી છે. આને મોસ્કો ઓફ બિહાર કહેવામાં આવે છે. બીજી બાજુ ગિરીરાજસિંહ પોતાની જૂની સીટ નવાદાથી જ ચુંટણી લડવા માટે ઈચ્છુક દર્શાવવામાં આવી રહ્યા હતા. જોકે પાર્ટીએ નવાદાના બદલે બેગુસરાયમાંથી ચુંટણી લડવા ગિરીરાજસિંહને કહેવામાં આવ્યું છે. બેગુસરાયમાં ગિરીરાજની છાપ અને જાતિય સમીકરણને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કનૈયા અને ગિરીરાજસિંહ બંને એક જાતિ ભૂમિહારમાંથી આવે છે. જ્યાં સુધી રાજકીય લોકસપ્રિયતાની વાત છે આ મામલામાં બંનેની લોકપ્રિયતા છે. સીપીઆઈ મહાગઠબંધનમાં સામેલ નથી પરંતુ બેગુસરાય સીટથી કનૈયા કુમારને આરજેડીનો ટેકો મળી શકે છે. આવી સ્થિતિમાં ગિરીરાજની મુશ્કેલી વધી શકે છે. ગિરીરાજ તેમની જુની સીટ નવાદા આંચકી લેવામાં આવતા નારાજ દેખાઈ રહ્યા છે. હજુ પણ પોતાના ચુંટણી ક્ષેત્રને બદલવાને લઈને ગિરિરાજ પાર્ટી પ્રમુખ અમિત શાહનો સંપર્ક કરી રહ્યા છે. તેમની પરંપરાગત સીટ નવાદાથી એલજેપીના ઉમેદવાર ચંદનકુમારને ચુંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લિસ્ટ જારી કરવામાં આવ્યા બાદ ગિરીરાજસિંહ કહી ચુક્યા છે કે પોતાના સંસદીય ક્ષેત્ર માટે ઘણું કામ કર્યું હોવા છતાં તેમને આ સીટ પરથી ટિકિટ આપવામાં આવી નથી. જેથી તેઓ નાખુશ દેખાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે.

જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મી લોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો  ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે.  બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે.  ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે.

પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે.

Previous articleશિવરાજ અને દિગ્વિજયની વચ્ચે ભોપાલમાં જંગ રહેશે
Next articleમાઈક્રો ડેટા સહિત છ પરિબળોની શેરબજાર ઉપર સીધી અસર રહેશે