કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો એક કેસ આજે અમદાવાદમાં નોંધાયો છે.
આજે સવારે અમદાવાદના એનઆઈડી રિવરફ્રન્ટમાંથી એક પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળ્યો છે. બન્ને પ્રેમપંખીડાઓના હાથ રૂમાલથી બાંધેલા હતા, જેના કારણે પોલીસના પ્રાથમિક તારણમાં આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. હાલ રિવરફ્રન્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે રિવરફ્રન્ટ પાસે આવેલા એનઆઈડી પાસે નદીમાં તરતો મૃતદેહ દેખાયો હતો. ત્યારબાદ લોકોએ પોલીસને ઘટનાની માહિતી આપી હતી. ઘટનાની માહિતી મળતા રિવરફ્રન્ટ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ નદીમાં ઉતરીને બન્નેના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે બન્ને મૃતદેહની તપાસ કરી હતી.
પોલીસના પ્રાથમિક તારણમાં આ ઘટના મોડી સાંજે બની હોય તેવું લાગી રહ્યું છે. બંન્નેનાં શરીર પાણીમાં વધારે સમય રહેવાને કારણે સફેદ થઇને થોથરાઇ ગયા છે. હાલ રિવરફ્રન્ટ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસને યુવકનાં ખિસ્સામાંથી યુવાનનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ મળ્યું છે જેના પરથી જાણવા મળે છે કે આ યુવાનનું નામ પરમાર કમલેશકુમાર છે જે મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકાનાં ખણુસા ગામનાં વતની છે.