ટાઉન હોલ ખાતે મતના મૂલ્ય અંગેની જાગૃત્તિ લાવવા અને વી.વી.પેટ.નો નિદર્શન કાર્યક્રમ યોજાયો

615

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૯ અંતર્ગત આજરોજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતના મૂલ્ય અંગેની જાગૃત્તિ લાવવા અને વી.વી.પેટના નિદર્શન કાર્યક્રમનું આયોજન ટાઉન હોલ, સેકટર-૧૭ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલના વાલીઓએ વી.વી.પેટનું નિદર્શન પ્રત્યક્ષ નિહાળી તેની માહિતી પણ મેળવી હતી.

મજબૂત લોકશાહી દેશના નિર્માણ કરવા માટે મતદાન વઘુ થાય તે ખુબ જ જરૂરી છે. મતદાન અંગેની જાગૃત્તિ લાવવાના ઉમદા આશયથી આજરોજ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોમાં પોતાના એક મતના મૂલ્યની જાગૃત્તિ લાવવા તથા ઇ.વી.એમ. મશીનમાં મતદાન કર્યા બાદ વી.વી.પેટમાં કેવી રીતે નિદર્શન થાય છે, તેની સમજ આપતાં કાર્યક્રમનેં આયોજન કરવામાં આવ્યું હતું.

ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલના સમારંભમાં આવેલા વાલીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તેમજ મતદાન કર્યા બાદ વી.વી.પેટમાં કેમ જોઇ શકાય છે, તેની માહિતી મેળવ્યા બાદ પોતાના મનમાં ઉદૂભવતા વિવિધ પ્રશ્નો પણ કર્યા હતા. આવા અનેક પ્રશ્નો અંગેની સરળતાથી માહિતી વી.વી.પેટનું નિદર્શન કરતા કર્મયોગીઓએ આપી હતી. કાર્યક્રમના આરંભે વાલીઓ અને શાળાના પરિવાર દ્વારા મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ લોકશાહી દેશમાં મતદાન કરવું કેમ જરૂરી છે, એક મતદારના મતના મૂલ્યનું મહત્વ કેટલું જેવા વિવિધ બાબતોની માહિતી આપતું રસપ્રદ નાટક યુવાનો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ટોલ ફ્રી નંબર- ૧૯૫૦ અને મતદાન અંગેની જાગૃતિ આપતી ટુંકી ફિલ્મનું પણ પ્રદર્શન કરવામાં આવી હતી. વાલીઓએ મતદાન અવશ્ય કરશે, મતદાન કરવા માટે લોકોને જાગૃત કરશે, તેની ખાત્રી સહી ઝુંબેશ કાર્યક્રમમાં સહી કરીને આપી હતી.

આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઠક્કર, ગાંધીનગર પ્રાંત અધિકારી જે.એમ. ભોરણીયા, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ર્ડા. ભરત વઢેર, કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલના ડાયરેકટર  સંજયભાઇ પટેલ સહિત શાળા પરિવાર અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleવિલમાં ૭ દિવસથી ૩ લિફ્‌ટમાં પાણી ભરાઈ જતાં ભારે હાડમારી
Next articleયાદી જાહેર કરવાના મામલે કોંગ્રેસમાં હજુય ભારે દુવિધા