વડોદરાનાં સાવલીનાં માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાતા હવે સાવલી કોંગ્રેસમાં જ ભડકો થયો છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પરથી એનસીપીમાં ઉમેદવારી કરી કોંગ્રેસના ઉમેદવારને હરાવવાનાં લીધે સાવલી કોંગ્રેસી કાર્યકર્તાઓ ખુમાનસિંહ ચૌહાણથી નારાજ છે અને હવે ખુમાનસિંહ ચૌહાણ ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહી, ખુમાનસિંહની ઘરવાપસીના વિરોધમાં સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા સહિત ૨૦૦થી વધુ કાર્યકરોએ રાજીનામા ધરી દેતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાનાં સાવલીનાં માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણને પ્રદેશ પ્રમુખ દ્વારા કોંગ્રેસમાં પરત લેવામાં આવતાં સાવલી કોંગ્રેસમાં ભાર નારાજગી ફેલાઈ છે. સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં આ વાતને લઇ પ્રદેશ નેતાગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો છે.
ખુમાનસિંહની ઘરવાપસીની મંજૂરીના નિર્ણયના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મંત્રી સાગર કોકો અને સાવલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ વાઘેલા સહિત ૨૦૦થી વધુ કાર્યકરોએ વિવિધ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં વડોદરા કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
બીજીબાજુ, હજુ પણ વધારે રાજીનામા પડે તેવી સંભાવના હોઇ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને પરિસ્થિતિ સંભાળવાની જરૂરિયાત ઉભી થઇ છે. કારણ કે, કોંગ્રેસ પ્રેરિત સરપંચો પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપે તેવા સંકેતો પ્રાપ્ત થઇ રહ્યા છે. વડોદરા-સાવલીના ૨૦૦થી વધારે કાર્યકરોનાં રાજીનામાથી ચોંકીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તમામને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા અને તેઓને સમજાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. સાવલી કોંગ્રેસમાં ખુમાનસિંહ ચૌહાણનાં આવવાથી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. તો કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દેખાતી હોઇ હાલ તો સ્થાનિક રાજકારણ ગરમાયું છે.