ચૂંટણી આવે એટલે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રજા વચ્ચે જઇ બે હાથ જોડી તેમને મત આપવાની અપીલ કરતા હોય છે. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોના પ્રચારના આ પ્રકારના દ્રશ્યો સામાન્ય મનાય છે પરંતુ બીજીબાજુ, એક વખત જીત્યા બાદ તેમના વિસ્તારોંમાં નહી ફરકતાં અને તેમના વિસ્તારોની સમસ્યાઓ કે પ્રશ્નોનું નિરાકરણ નહી લાવતાં ઉમેદવારોને પ્રજાનો રોષનું પણ ભોગ બનવું પડે છે. લોકોના કામો નહી કરનારા અને જન પ્રતિનિધિ તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નહી નિભાવનારા આવા ઉમેદવારો વિરૂધ્ધ સુરતના મોટા વરાછા વિસ્તારમાં તો સ્થાનિક રહીશોએ વિશાળ પોસ્ટરો લગાવી ઉમેદવારો સામે ગંભીર નારાજગી દર્શાવી હતી. એટલું જ નહી, જો તેમના વિસ્તારોની સમસ્યાનું નિરાકરણ ના આવે તો, તેમના વિસ્તારમાં મત માંગવા નહી આવવા ઉમેદવારોને સ્પષ્ટ તાકીદ પણ કરી છે.
પ્રજાનો આકરો મિજાજ જોઇ હવે ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે કે, હવે લોકોની વચ્ચે મત માંગવા જવું તો જવું કેવી રીતે ? માત્ર સુરત જ નહી પરંતુ રાજયના અનેક વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પરત્વે લોકોમાં કંઇક આવી જ નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, ચૂંટણી આવે ત્યારે ઉમેદવારો મત લેવા આવી જાય છે, પ્રજા પણ તેમનામાં વિશ્વાસ રાખી તેમને ચૂંટે છે પરંતુ તેઓ એક વખત ચૂંટાયા બાદ તેમના કામો કરતાં નથી એટલું જ નહી, ચહેરો બતાવવા સુધ્ધાં પણ ઘણા કિસ્સામાં તો ફરકતાં નથી, તેથી આ વખતે લોકોએ મક્કમ મનોબળ બનાવી પોસ્ટરો, બેનરો દ્વારા વિરોધ શરૂ કર્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. અને ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાતો કરવામાં આવી રહી છે. દરમિયાન સાંસદોને લઈને લોકોમાં રહેલો રોષ બેનર દ્વારા સામે આવી રહ્યો છે. જેમાં સુરતના મોટા વરાછા ખાતે આવેલી ખોડીયાર નગર સોસાયટીમાં સાંસદ અને ધારાસભ્યોની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરતા બેનરો લગાવવામાં આવ્યા છે.
વારંવાર રજૂઆતના પગલે પણ કોઈ નિરાકરણ ન આવતા સોસાયટીના રહીશોએ ખુલ્લી ચેતવણી આપી છે. જેમાં જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સોસાયટીમાં મત માંગવા આવવું નહીં અને આવશો તો તમારું સ્વાગત બુટ-ચંપલના હાર તોરાથી કરીશું અને આગામી ચૂંટણીના બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેને લઇ ઉમેદવારો હવે આ વિસ્તારના પ્રજાજનોને રિઝાઝવાના પ્રયાસમાં પડયા છે.