જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા નાપાક હરકતોનો દોર જારી રાખવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી વધુ એકવાર યુદ્ધ વિરામનો ભંગ કરીને અંકુશરેખા પર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં સેનાના એક જવાનનું મોત થયું છે. પૂંચ સેકટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં રાજસ્થાનના આર્મી જવાન હરી વાકર ઘાયલ થયા હતા. તેમને આર્મી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું આજે મોત થયું હતું. પાકિસ્તાની સેનાએ શનિવારના દિવસે પૂંચ જિલ્લામાં અંકુશરેખા નજીક ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો.
જવાબી કાર્યવાહી કરવામાં આવતા ભારતે આક્રમક કાર્યવાહી કરી હતી. જેમાં ભારતીય જવાન હરી વાકરને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ આજે તેમનું મૃત્યુ થયું હતું. પુલવામા આતંકવાદી હુમલા બાદ ૨૬ ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના આતંકવાદી કેમ્પો પર હવાઈ હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી જારી રહી છે. પાકિસ્તાન દ્વારા સરહદ પર અવિરત ગોળબાર કરવામાં આવી રહ્યો છે. આંકડાઓ મુજબ ૨૬મી ફેબ્રુઆરી બાદથી રાજ્યમાં એલઓસી નજીક અને ખાસ કરીને પૂંચ અને રાજોરીમાં અનેક ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાન તરફથી ગોળીબાર કરાઈ રહ્યો છે.
અંકુશરેખા પર ૧૨૫થી વધુ વખત યુદ્ધ વિરામનો ભંગ કરીને પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. પાકિસ્તાની સેનાના આ ગોળીબારમાં છેલ્લા થોડાક દિવસમાં જ ચાર સામાન્ય નાગરિકોના મોત થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાની પોસ્ટને ફૂંકી મારવાને લઈને વીડિયો વાયરલ કરાયો છે. આ વીડિયોમાં પાકિસ્તાની ધ્વજ ઉંધી સ્થિતિમાં નજરે પડે છે. જે ઈમરજન્સી સ્થિતિની સૂચના આપે છે. ભારતની જવાબી કાર્યવાહીમાં હજુ સુધી ૧૦થી વધુ પાકિસ્તાની જવાનોના મોત થયા છે.