માણસાનાં અલુવા સ્થિત લક્ષ્મી બાલાજી અલ્ટ્રામોર્ડન સ્કીમમાં પૈસા ફસાયાની કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ તે પહેલા આ ગૃપની અડાલજ સ્થિત લક્ષ્મી બાલાજી સ્ટેટસમાં પણ છેતરપીંડીની ફરીયાદો અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ચુકી છે. જેમાં ગુડાની ભુમિકાને લઇને પણ ગ્રાહકોમાં રોષ છે. મામલો હાઇકોર્ટમાં પહોચ્યો હતો અને ગુડાને કાર્યવાહી કરવા આદેશ કરતા ના છુટકે કાર્યવાહી કરી છે. પરંતુ જે લોકોનાં પૈસા ગયા છે અને દુકાનો-ફ્લેટ મળ્યા નથી તેમની હાલત કફોડી બની છે. ત્યારે મંગળવારે ગુડાનાં દરવાજે ઉપવાસ પર બેસતા ગુડાએ અંદર બોલાવીને ફાઇલ સરકારમાં મોકલી હોવાથી યોગ્ય થવાની ધરપત આપી હતી.
અડાલજની લક્ષ્મી બાલાજી સ્ટેટસની સ્કીમમાં બિલ્ડરો દ્વારા કોમન પ્લોટમાં બ્લોક, ટીપી ૧૨ મીટરનાં રસ્તા પર ૩ મીટર સુધી બાંધકામ તથા પરવાનગી ન હોવા છતા દુકાનો બાંધી દીધી હતી. ૪૨ ફ્લેટની આ સ્કીમમાં કોમન પ્લોટમાં વધારાનાં ૬ ફ્લેટ બાંધીને વેચાણ કરી કરી દેવામાં આવ્યુ હતુ. પરંતુ એકના એક ફ્લેટ બેથી ત્રણ લોકોને વેચીને પૈસા પડાવ્યાનું સામે આવ્યા બાદ પોલીસ ફરીયાદ થઇ હતી અને ગ્રાહકો જાગ્યા હતા. જેમાં અડાલજનાં અનિલભાઇ ભેસાણીયાએ પણ દુકાન ખરીદી હતી અને પૈસા ગુમાવ્યા છે. કારણ કે કોમર્શીયલ બાંધકામ કાયદેસર નથી. ત્યારે અનીલભાઇએ સ્કીમની કાયદેસરતાને લઇને જમીન અંગે તપાસ કરતા અડાલજ પંચાયતમાંથી જમીન એનએ થયા વગરની ખેતીની હોવાની ખબર પડી હતી.
કલેકટર કચેરીમાં તપાસ કરતા જમીન એનએ વગરની હોવાની ખબર પડી હતી. જિલ્લા પંચાયતમાંથી પણ એનએ ન થયાની ખબર પડી હતી. ત્યારે મોટો સવાલ એ ઉભો થયો હતો કે ખેતીની જમીન પર ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા ખેતીની જમીન પર બાંધકામની મંજુરી કઇ રીતે આપવામાં આવી ? ગરીબ અને મધ્યમ વર્ગનાં જે લોકોનાં પૈસા ડુબ્યા છે તેની પાછળ ગુડાની પણ શંકાસ્પદ ભુમિકા સામે આવી રહી છે. ગુડાની આ ભુમીકા અંગે કલેકટરમાં પણ રાવ કરવામાં આવી પણ કોઇ જવાબ નથી. વધારાનાં બાંધકામ મુદ્દે હાઇકોર્ટ ગુડાને સત્તા વાપરી કાર્યવાહી કરવા જણાવતા ગુડાને વધારાનો બ્લોક તોડવાની ફરજ પડી હતી.
દુકાનો પણ તોડી પરંતુ ટીપી પરનું બાંધકામ દુર કરવા જાય તો આખો બ્લોક જ પડી જાય તેમ છે. ગુડા દ્વારા ઘણા ફ્લેટ સીલ કરી દેવાયા છે. ત્યારે મૂડી ગુમાવનાર ગ્રાહકોએ હવે શું કરવાનું ? ત્યારે ગુડાનાં ચેરમેન આશિષ દવેને મળવા આ ગ્રાહકો દ્વારા અનેક વખત પ્રયત્નો છતા મળવાની મંજુરી ન આપતા રોષે ભરાયા હતા
સમગ્ર પ્રકરણમાં ગુડાનાં અધિકારીઓની ભુમિકા શંકાસ્પદ છે. ખેતીની જમીન પર મંજુરી કરી રીતે મળી ? તેની પાછળ ગેરરીતી થઇ હોવાની શંકાને ધ્યાને રાખીને એન્ટી કરપ્શન બ્યુરોમાં અનિલભાઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. ગ્રાહકોએ આરટી આઇ નું શસ્ત્ર ઉગામીને ગુડા પાસેથી જવાબો માંગવાનું શરૂ કરતા આરટીઆઇનાં જવાબો જ આપવાનું બંધ કરી દીધુ હતુ. લક્ષ્મી બાલાજી ગૃપનાં બિલ્ડરો સામે રાજયનાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં છેતરપીંડી સહિતનાં કેસો ચાલી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ગ્રાહકો દ્વારા મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન સુધી આ મુદ્દે ફરીયાદો મોકલવામાં આવી હતી. એક આરોપીની પાસાની દરખાસ્ત ૬ માસથી કલેકટર કચેરીમાં પેન્ડીંગ પડી છે.