ગાંધીનગરમાં કેબિનેટ મંત્રીઓમાં ખાતાઓની ફળવવણીને લઈને વિરોધના સૂર વચ્ચે સીએમ રૂપાણી ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરશે, તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરી મધ્યથી શરૂ થશે. તે પહેલાં અથવા સત્ર પછી એપ્રિલમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ જોવામાં આવી રહી છે. સીએમ રૂપાણી દ્વારા અન્ય મહત્વના કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે પૂર્ણ થયે આ મુદ્દો હાથમાં લેવાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે.
ભાજપ સરકારમાં એક પછી એક મંત્રીની વધી રહેલી નારાજગી જોવા મળી રહી છે. તેવામાં સીએમ રૂપાણી દ્વારા બંધારણીય જોગવાઈ મુજબ ૨૭ સભ્યોનું મંત્રીમંડળ બનાવાય તેવી શક્યતા છે. હાલમાં શપથવિધિ સમયે ૨૦ સભ્યોનું મંત્રીમંડળ બની ગયું છે. હજુ આગામી સમયમાં વધુ ૭ મંત્રીઓનો ઉમેરો થઈ શકે છે.તો બીજી તરફ ૫ થી વધુ સંસદિય સચિવોની નિમણૂંક થઈ શકે છે. આ ઉપરાંત અનેક જીલ્લાઓને હજુ સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. તે પણ મુદ્દો છે. સીએમ રૂપાણી હાલમાં આ કાર્યો પર ફોકસ કરવા માંગે છે. તે પછી તરત જ કેબિનેટ વિસ્તરણનો મુદ્દો હાથ ધરાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.