શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામ આશ્રમમાં રહેતો એક સાધક આશ્રમના સ્ટોરરૂમમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. સાધકના ગળાના અને શરીરના અન્ય ભાગે પણ છરીના ઘા મારવામાં આવેલા હતા. ઉપરાંત તેનું ગુપ્તાંગ પણ કાપેલી હાલતમાં મળી આવ્યું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સાધકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલમાં તેની હાલત ?સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચાંદખેડા પોલીસને જાણ કરતાં પોલીસ આશ્રમમાં દોડી આવી હતી. ચાંદખેડા પોલીસે જાણવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સાધકે જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જો કે ઘટના દરમિયાન કોઈએ અવાજ સાંભળ્યો ન હોય અને કોઈને જાણ પણ ન હોય અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
સાબરમતીના મોટેરા વિસ્તારમાં આસારામ આશ્રમ આવેલો છે. આશ્રમમાં અનેક લોકો સાધક-સેવિકા તરીકે સેવા આપે છે. ગત સોમવારે સવારે મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં છેલ્લા કેટલાક સમયથી સાધક તરીકે ફરજ બજાવતાં સુદામા રાઉત (ઉ.વ. ૪૦)એ આશ્રમના સ્ટોરરૂમમાં પોતાના ગળા અને શરીરના અન્ય ભાગે છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
સાધકે પોતાનું લિંગ પણ કાપી નાખ્યું હતું. સુદામા મૂળ ઓડિશાનો રહેવાસી છે. અગાઉ સુરત ખાતે રહેતો હતો. મોટેરા ખાતે આવેલા આસારામ આશ્રમમાં સ્ટોરમાં છેલ્લા કેટલાક સમયથી સાધક તરીકે સેવા આપે છે.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈએ જણાવ્યું હતું કે સોમવારે સવારે સુદામા સ્ટોરરૂમમાં ગયો હતો લાંબા સમય સુધી પરત ન ફરતાં અન્ય સાધકે બૂમ મારી હતી. જવાબ ન મળતા સાધક અંદર ગયો હતો અને એક ધાબળામાં સુદામા લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. એક હાથ તેનો બહારના ભાગે જોવા મળ્યો હતો.
લોહી લુહાણ હાલતમાં સુદામાને જોઇ સાધકે આશ્રમના સંચાલકને જાણ કરી હતી. જેથી આશ્રમના સંચાલક સહિતના લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સુદામાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ચાંદખેડા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુદામા અપરિણીત હતો અને તેના પરિવારમાં તેનાં માતા-પિતા છે. આ ઘટના અંગે તેનાં માતા-પિતાને આશ્રમના સંચાલકે જાણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સુદામાએ જાતે છરીના ઘા મારી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ જણાવી રહી છે. હાલમાં સુદામાની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સુદામા હાલમાં બોલી શકવાની સ્થિતિમાં ન હોઈ તેનું નિવેદન લઈ શકાયું નથી. ચાંદખેડા પોલીસે આ અંગે જાણવા જોગ નોંધી છે. સાધકની હાલત સ્થિર થયા બાદ તેમજ પૂછપરછ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે તેમ પોલીસે જણાવ્યું છે.
સાબરમતીમાં આવેલો આસારામ આશ્રમ વિવાદમાં રહ્યો છે. સૌપ્રથમ આશ્રમના પાછળના ભાગે સાબરમતી નદીના પટમાંથી રાણીપમાં રહેતા દીપેશ-અભિષેક નામનાં બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. બાળકોના પિતાએ આક્ષેપ કર્યો હતો કે આસારામ આશ્રમ દ્વારા તેમનાં બાળકો પર તાંત્રિકવિધિ કરવામાં આવી છે.
બાળકોનાં મૃત્યુને લઇને પણ ઘણો મોટો વિવાદ ઊભો થયો હતો. આસારામ પર બળાત્કારનો આરોપ છે અને હાલમાં તેઓ જોધપુરની જેલમાં બંધ છે. સાબરમતી આશ્રમમાં જ સેેવિકા તરીકે કામ કરતી એક સગીરા પર આસારામે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરાઇ હતી. અગાઉ પણ આશ્રમમાંથી અનેક યુવતીઓ અને બાળકો ગુમ થયાં હોવાના આરોપ આસારામ પર લાગ્યા છે. સાધકો અને પૂર્વ સાધકો પર પણ આસારામના ગુંડાઓ દ્વારા હુમલાઓ કરાયા હોવાની ફરિયાદો પણ નોંધાઇ છે.