કલોલ તાલુકાના છત્રાલ જીઆઈડીસીની મેક્સિસ કંપનીમાં સુરેશભાઈ રમેશભાઈ પટેલને લોખંડના ભંગારનો ભાવ ૧પ૭ રૂપિયાના બદલે ૧૬૪ રૂપિયા આપવાની લાલચ આપીને જય બહુચર એન્ટરપ્રાઈઝના નામે અમદાવાદમાં રહેતાં અનિલ બબાભાઈ વાઘેલા, સુનિલ વિઠ્ઠલભાઈ પટણી, પિયુષ વિઠ્ઠલભાઈ પટણી, રવિન્દ્રસિંહ જગદેવસિંહ સિસોદીયા અને વિનોદભાઈ નાગરભાઈ પટણીએ તેમના એકાઉન્ટમાં બે અલગ અલગ તબક્કે દસ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.
આ શખ્સો તેમની આઈસર ટ્રક લઈને લોખંડનો ભંગાર લેવા માટે આવ્યા હતા. જ્યાં ધરમકાંટા ઉપર ઈલેકટ્રોનિક્સ ચીપ લગાડીને વજન કરાવ્યું હતું જેમાં લોખંડના ભંગારનું વજન કરતાં ૪ ટન ૯૧૦ કિલો વજન થયું હતું. ત્યારબાદ સુરેશભાઈને શંકા જતાં તેમણે ફરીવાર વજન કરાવતાં સાત ટન ૬૦૦ કિલો જેટલું વજન થયું હતું. જેના પગલે પોલીસને જાણ કરતાં રવિન્દ્રસિંહ સીસોદીયા અને વિનોદ નાગરભાઈ પટણીને એસઓજીની ટીમે ઝડપી પાડયા હતા અને વધુ બે આરોપી પિયુષ અને સુનિલની ધરપકડ કરવામાં આવી હતી તેમ એસઓજી પીઆઈએ જણાવ્યું હતું.