ભારતીય વાયુસેનાને આજે અત્યઆધુનિક લડાકુ હેલિકોપ્ટર ’ચિનૂક’ મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અત્યાધુનિક હેલિકોપ્ટર ભારતીય સીમા પર તહેનાત કરવામાં આવશે. અંદાજે ૧૧ હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને સરળતાથી ઉઠાવવામાં સક્ષમ અને તે સાથે જ ઉંચાઈ પર ઉડાન ભરી શકનાર ચિનૂક હેલિકોપ્ટર આજે ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ગયું છે.
ચંદીગઢમાં એરચીફ માર્શલ બીએસ ધનોઆએ ચાર હેવી લિફ્ટર ચિનૂક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાને સોંપ્યા છે. આ મલ્ટી મિશન હેલિકોપ્ટર બોઈંગ કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. ઉંચાઈવાળ વિસ્તારમાં આ હેલિકોપ્ટર ખૂબ મદદરૂપ સાબીત થશે. આ હેલિકોપ્ટર નાના હેલિપેડ અને ખીણ વિસ્તારમાં પણ લેન્ડ થઈ શકે છે. દુનિયાના ૧૯ દેશો દ્વારા આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતે આવા ૧૫ હેલિકોપ્ટર ખરીદવા માટે ડીલ કરી છે. અમેરિકા ૧૯૬૨થી ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહી છે.
કંપનીએ અત્યાર સુધી આવા ૧૧૭૯ ચિનૂક હેલિકોપ્ટર બનાવ્યા છે. ખરાબ વાતાવરણમાં પણ ચિનૂક ઉડાન ભરવા માટે સક્ષમ હોય છે. આ હેલિકોપ્ટરની મહત્તમ સ્પીડ ૩૧૫ કિમી પ્રતિ કલાકની છે.