લોકસભા ચૂંટણી માટે ભાજપ અને શિવસેનાએ મહારાષ્ટ્રમા એક મંચ પર રહીને ચૂંટણી અભિયાનનું રણશિંગું ફૂંક્યુ હતું. બન્ને પક્ષના નેતાઓએ કોલ્હાપુર જિલ્લામાં એક સંયુક્ત રેલી યોજી હતી. ફડણવીસે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી એ લોકો વચ્ચે છે જે દેશના દુશ્મનોની સામે ટક્કર લઇ શકે છે અને એવા લોકો જે રાજકારણ માટે પોતાના સૈનિકોની સિદ્ધિઓ પર સવાલ ઉભા કરે છે. આ સિવાય તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, અમે ગઠબંધનનો નિર્ણય લીધો અને અહીંની ટિકિટની પણ વહેંચણી કરી પરંતુ વિપક્ષે શું કર્યું ? તેઓ જણાવે છે કે અમે બધા મળીને ૫૬ પાર્ટીઓ છે, પરતું ચૂંટણી જીતવા માટે તમને ૫૬ પાર્ટીઓની જરૂરત નથી, ૫૬ ઇંચની છાતીની જરૂર છે.
તેમણે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, અમારા નામના બદલે અમારા ડીએનએમાં રાષ્ટ્રવાદ છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ ૪૮ બેઠકો છે. ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં શિવસેનાના ભાગે ૨૩ બેઠકો આવી છે, જ્યારે અન્ય ૨૫ બેઠકો પર ભાજપ પોતાના ઉમેદવાર ઉતારશે.