૨૫ કરોડ ગરીબોને મહિને ૬ હજારની મીનીમમ આવકની કોંગ્રેસ દ્વારા ગેરંટી

585

પ્રથમ તબક્કાનું મતદાન ૧૧ એપ્રિલે શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદીની ખેડૂતોને વર્ષે ૬ હજાર એટલે મહિને ૫૦૦ રૂપિયાની રોકડ સહાય યોજનાની સામે ટક્કર મારે એવી ગરીબ પરિવારોને રોજના ૫૦૦ રૂપિયા લેખે મહિને ૬ હજારની રોકડ સહાયની યોજનાની આજે જાહેર કરીને ભાજપને સીધો પડકાર ફેંકીને મતદારોને કોંગ્રેસ તરફ ખેંચવાની ગેમ ચેન્જર યોજના જાહેર કરી હતી. તેમણે પત્રકાર પરિષદ યોજીને આ યોજના જાહેર કરીને કહ્યું કે ૫ કરોડ પરિવારોના ૨૫ કરોડ સભ્યોને વર્ષે ૭૨ હજાર લેખે મહિને ૬ હજાર એટલે રોજના ૫૦૦ રૂપિયાની રોકડ સહાયની મીનીમમ આવક ગેરંટી સાથે મળશે. તેમના ખાતામાં જમા થશે. કોંગ્રેસની આ લઘુતમ ખાતરીબધ્ધ આવક સ્કીમ સામે ભાજપ હવે કઇ સ્કીમ લાવે છે એના પર લોકોની નજર છે. સૂત્રો કહે છે કે ભાજપે મહિને ૬ હજારની સામે મહિને ૧૦ હજારની સ્કીમ લાવવી પડે તો કંઇક મેળ પડે. બાકી તો કોંગ્રેસની આ યોજના ચૂંટણી ચિત્ર અને પવનની દિશા બદલી નાંખે તેમ છે.

ચૂંટણી મોસમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાંથી ગરીબી મિટાવાનો સંકલ્પ કરતાં સોમવારે જબરદસ્ત મોટી જાહેરાત કરી. તેમણે એલાન કર્યું કે કોંગ્રેસની સરકાર બની તો દેશના ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપશે. તેની સાથે જ તેમણે દાવો કર્યો કે અમે દેશમાંથી ગરીબીને મિટાવી દઇશું. તેની સાથે જ તેમણે કહ્યું કે લધુત્તમ આવકની આ યોજના તબક્કાવાર રીતે લાગૂ કરાશે અને ગરીબોના બેન્ક ખાતામાં પૈસા સીધા જમા થશે.

ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાંધતા રાહુલ ગાંધીએ કહ્યું કે પાંચ વર્ષમાં પ્રજાને ઘણી મુશ્કેલીઓ પડી, એવામાં કોંગ્રેસે નિર્ણય લીધો છે કે અમે ગરીબોને ન્યાય આપીશું. કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો કે આ પ્રકારની લઘુત્તમ આવક યોજના દુનિયામાં કયાંય નથી. તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ન્યૂનતમ આવક મર્યાદા ૧૨૦૦૦ રૂપિયા હશે અને આટલા પૈસા દેશમાં છે.

એક પ્રશ્નના જવાબમાં સમજાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગેરંટી આપે છે કે ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારોને દર વર્ષે ૭૨૦૦૦ રૂપિયા આપશે. આથી દરેક જાતિ, દરેક ધર્મના ગરીબોને ફાયદો થશે. રાહુલે કહ્યું કે આ સ્કીમની અંતર્ગત દરેક ગરીબની ઇનકમ ૧૨૦૦૦ રૂપિયા નક્કી કરાશે. સ્કીમની અંતર્ગત જો કોઇની આવક ૧૨૦૦૦થી ઓછી છે તો એટલા પૈસા સરકાર તેમને આપશે. જો કોઇની આવક ૬૦૦૦ રૂપિયા છે તો સરકાર તેમને બીજા ૬૦૦૦ રૂપિયા આપશે. જ્યારે તે વ્યક્તિ ૧૨૦૦૦ની આવકથી ઉપર આવી જશે તો આ સ્કીમમાંથી તે બહાર આવી જશે.

રાહુલે કહ્યું કે એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે લોન માફીનું વચન આપ્યું હતું. અમે તેને પૂરું કર્યું અને આજે હું વચન આપી રહ્યો છું કે ૨૦ ટકા પરિવારોને વાર્ષિક ૭૨૦૦૦ રૂપિયા મળશે. પહેલાં પાયલટ પ્રોજેકટ ચાલશે અને ત્યારબાદ તે લાગૂ થશે. તેમણે કહ્યું કે તેમણે તમામ તબક્કાઓને લઇ પૂરી સમીક્ષા કરી લીધી છે.

મોદી પર પ્રહારો કરતાં રાહુલે કહ્યું કે પીએમ તમને કહે છે કે તેમણે ખેડૂતોને પૈસા આપ્યા. ૩.૫ રૂપિયા તેમણે ખેડૂતોને આપ્યા, ત્યાં તાળીઓ વાગી. દેશને ગુમરાહ કરાયા છે. તેમણે કહ્યું કે ભાજપ સૌથી ધનિકોને પૈસા આપે છે અને અમે સૌથી ગરીબોને પૈસા આપવા જઇ રહ્યાં છીએ.

તેમણે કહ્યું કે આ સ્કીમથી ૫ કરોડ પરિવારોને ફાયદો થશે. તેમણે હસતા-હસતા કહ્યું કે લોકોને ઝાટકો લાગશે પરંતુ દેશમાં આટલી ક્ષમતા છે અને અમે તમને દેખાડીશું. તેમણે કહ્યું કે ૪-૫ મહિનાઓથી દુનિયાના અર્થશાસ્ત્રીઓથી ચર્ચા કરીને આ સ્કીમને તૈયાર કરાઇ છે.

Previous articleરાહુલની જાહેરાત એકદમ હાસ્યાસ્પદ : ભાજપનો મત
Next articleસ્વાઈન ફ્લુથી વધુ એકનું મોત : ૨૪ નવા કેસો થયા