ગુજરાતમાં બે દિવસ માટે હિટવેવની ચેતવણી જારી કરવામાં આવતા લોકોમાં આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. ગરમીની શરૂઆત થઇ રહી છે ત્યારે હિટવેવની ચેતવણી જારી થવાની શરૂઆત થઇ ચુકી છે. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. પોરબંદર, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર અને કચ્છમાં હિટવેવની ચેતવણી જારી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં પારો વધવાની ચેતવણી જારી કરવામાં આવી છે. સુરતમાં આજે મહત્તમ તાપમાન ૩૯.૬ અને વલસાડમાં ૩૯.૬ ડિગ્રી તાપમાન રહ્યું હતું. બીજી બાજુ આજે અમરેલીમાં પારો ૪૦ ઉપર પહોંચી ગયો હતો. મહુવામાં મહત્તમ તાપમાન ૪૦.૮ સુધી પહોંચી ગયું હતું. ગરમીમાં એકાએક તીવ્ર વધારો થઇ રહ્યો છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭.૯ ડિગ્રી રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં વધારો થવાની સાથે સાથે કોર્પોરેશન દ્વારા જરૂરી પગલા લેવાની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૩૯ સુધી પહોંચે તેવી શક્યતા છે. મિશ્ર સિઝન હોવાના કારણે બાળકો વધુ મુશ્કિલો અનુભવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગ્ી રહી છે. મોટી વયના લોકો પણ બિમારીના સંકજામાં આવી રહ્યા છે. આ વખતે ગયા વર્ષની સરખામણીમાં વધારે ગરમી પડી શકે છે. મિશ્ર સિઝનના પરિણામ સ્વરુપે નાના બાળકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં આવી રહ્યા છે. ધુળેટી પર્વ પર નાના બાળકો કલર અને પાણીથી હોળી અને ધુળેટી રમ્યા બાદ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તાવના કેસોમાં પણ વધારો થયો છે. જાણકાર લોકોના કહેવા મુજબ આ પ્રકારની સિઝનમાં નિયમિતતાથી પીછેહઠ થવાની સ્થિતિમાં બિમાર થવાનો ખતરો રહેલો છે. તહેવારોની સિઝનમાં બેદરકારીના કેસ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં તાવના કેસ પણ વધી ગયા છે. એપ્રિલ મહિનામાં જોરદાર ગરમી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. અલબત્ત, પંખા અને એસીનો ઉપયોગ પહેલાથી જ શરૂ થઈ ચુક્યો છે. આ બેવડી સિઝનમાં સાવચેતી વચ્ચે હાલ લોકો એસી અને પંખાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો ૩૭થી ૩૯ ડિગ્રી વચ્ચે પહોંચી ગયો છે. આજે વિવિધ ભાગોમાં પારો ૩૯થી પણ ઉપર પહોંચ્યો હતો. અમરેલીમાં ૪૦, સુરેન્દ્રનગરમાં ૩૯.૧, મહુવામાં ૪૦.૮ ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે.