રાજયના કેબીનેટ પ્રધાન ગણપત વસાવાની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પર કરાયેલી એક વિવાદીત ટિપ્પણીને લઇ ચૂંટણી ટાણે રાજકારણ ગરમાયું છે અને જોરદાર વિવાદ સર્જાયો છે.
કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ સુરતમાં બારડોલીના બાબેન ખાતેના એક સમારંભમાં જાહેર વકતવ્ય દરમ્યાન એવું કહી દીધુ હતું કે, જો કોંગ્રેસ રાહુલ ગાંધીને ભગવાન શંકરનો અવતાર ગણે છે તો તેમને ઝેર પીવડાવો તો ખબર પડી જાય. વસાવાના આ નિવેદનને લઇ કોંગ્રેસ લાલઘૂમ બન્યું છે. કોંગ્રેસના નેતાઓએ વસાવા પર વળતો પ્રહાર કરતાં અને તેમની ટિપ્પણીને વખોડતાં જણાવ્યું છે કે, ભાજપના નેતાઓ હવે ચૂંટણી ટાણે માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. જે ભાજપની હતાશા છતી કરે છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે.
ત્યારે ભાજપ દ્વારા ઠેર ઠેર વિજય સંકલ્પ રેલીના આયોજનો કરવામાં આવી રહ્યાં છે. બારડોલીના બાબેન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં ચાલતાં નિવેદનોને વાંચીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર ટીખળ કરી હતી જેનાથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગણપત વસાવાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીને શંકરનો અવતાર ગણે છે. જેનો યુવાનો દ્વારા પ્રતિકાર કરતાં પુછવામાં આવે છે કે, શંકર ભગવાને તો ઝેરના ઘૂંટડા પીધા હતાં. જ્યારે રાહુલ ગાંધીને ૫૦૦ ગ્રામ ઝેર આપીને ચેક કરો તો અમે પણ માનીએ તેમ વસાવાએ કહેતા નવો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસમાં વસાવાના નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ વસાવા પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપના નેતાઓ હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ તેમનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે. હારથી ફફડી ઉઠેલા ભાજપના નેતાઓને તેઓ શું બોલી રહ્યા છે કે શું બોલવું જોઇએ તેનું પણ ભાન નથી રહ્યું. ચૂંટણી નજીક આવતાં જ ભાજપના નેતાઓ બકવાસ વાણીવિલાસ કરી રહ્યા છે. વસાવાનું ઝેર આપવાનું નિવેદન વખોડવાલાયક અને નિંદનીય છે. ભાજપના નેતાઓ તેમનું માનસિક સંતુલન ગુમાવી રહ્યા છે, જે તેમની હતાશા અને નિરાશા છતી કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગણપત વસાવાએ પુલવામા હુમલા સમયે ભાજપના કોઈ નેતા કશું જ નહોતા બોલતા અને ઉપરથી કોઈ વિવાદીત નિવેદન ન કરવા સ્પષ્ટ સૂચના હોવા છતાં પણ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી પહેલાં પાકિસ્તાનમાં મોટી શોકસભા થવી જોઇએ, એ સાથે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા એર સ્ટ્રાઈકના પુરાવા અને આતંકીઓના મોત મુદ્દે પુરાવા માંગવામાં આવ્યા ત્યારે વસાવાએ કહ્યું હતું કે, એકાદ નેતાને પ્લેન સાથે જ બાંધીને મોકલવાની જરૂર હતી. આમ, વસાવા તેમના વિવાદીત ટિપ્પણીઓ અને નિવેદનને લઇ વિવાદો અને ચર્ચામાં ઘેરાયેલા રહે છે.