બારડની અરજીમાં હાઇકોર્ટે ચૂંટણી પંચની ઝાટકણી કાઢી

670

ખનીજ ચોરી કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા પામેલા અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયેલા તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા અધ્યક્ષના આ મનસ્વી નિર્ણયને પડકારતી રિટ અરજીની સુનાવણી દરમ્યાન આજે ગુજરાત હાઇકોર્ટે રાજય ચૂંટણી પંચની આકરી ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે ચૂંટણી પંચને કેટલાક વેધક સવાલો પણ કર્યા હતા કે, સેશન્સ કોર્ટ દ્વારા બારડની સજા સામે સ્ટે જારી કર્યો હોવાછતાં ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં કેમ ઉતાવળ કરાઇ? શું ચૂંટણી પંચે વિધાનસભા અધ્યક્ષના આદેશને માની પેટાચૂંટણી જાહેર કરી? ચૂંટણી પંચ કોના દિશા-નિર્દેશ મુજબ કામ કરે છે? વધુમાં હાઇકોર્ટે આ સમગ્ર મામલે જરૂરી સોગંદનામું આવતીકાલ સુધીમાં રજૂ કરી દેવા પણ ચૂંટણી પંચને હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી. તાલાલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સને ૧૯૯૫ના રૂ.૨.૫૩ કરોડની ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી. આ ચુકાદાથી નારાજ થયેલા ભગવાન બારડે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સેશન્સ કોર્ટે જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટના સજાના હુકમ સામે સ્ટે જારી કરી દીધો હતો. જેને પગલે રાજય સરકાર તરફથી ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન દાખલ કરી સજાને સ્ટે કરતાં સેશન્સ કોર્ટના હુકમને પડકારાયો હતો. જેની સુનાવણીમાં તાજેતરમાં જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીએ રાજય સરકારની અરજી મંજૂર કરી બારડની સજાને સ્ટે કરતાં વેરાવળ સેશન્સ કોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો. એટલું જ નહી, હાઇકોર્ટે સમગ્ર મામલાની ફરીથી સુનાવણી હાથ ધરવા સેશન્સ કોર્ટને હુકમ કર્યો હતો. બીજીબાજુ, ભગાભાઇ બારડે પણ નીચલી કોર્ટ દ્વારા તેમનસજા કરવાના અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડ કરવાના તેમ જ તાલાલાની બેઠકની પેટા ચૂંટણી ઉતાવળે જાહેર કરી દેવાના નિર્ણયને પડકારતી રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઇ હતી. જેમાં એવા મુદ્દા ઉઠાવાયા હતા કે, વિધાનસભા અધ્યક્ષને આ પ્રકારે સસ્પેન્ડ કરવાનો કોઇ અધિકાર જ નથી, વળી જયારે સેશન્સ કોર્ટ દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટના સજાના હુકમ સામે સ્ટે ફરમાવાયેલો હોય તો ચૂંટણી પંચ પેટા ચૂંટણી કેવી રીતે જાહેર કરી શકે. આ તમામ નિર્ણયો ગેરકાયદે અને સુપ્રીમકોર્ટના પ્રસ્થાપિત સિધ્ધાંતોથી વિરૂધ્ધના હોઇ તે રદબાતલ થવાપાત્ર ઠરે છે.  જેની સુનાવણી આજે નીકળતાં હાઇકોર્ટે આ કેસમાં રાજય ચૂંટણી પંચને તેના સ્ટેન્ડ(વલણ)ને લઇ સીધી પૃચ્છા કરી હતી. હાઇકોર્ટે ચૂંટણી પંચને કેટલાક સીધા સવાલો પણ કર્યા હતા કે, જયારે સેશન્સ કોર્ટે ધારાસભ્ય બારડની સજા સામે સ્ટે જારી કર્યો હતો છતાં કેવી રીતે ચૂંટણી પંચ ઉતાવળે આ બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી શકે. શું ચૂંટણી પંચે વિધાનસભા અધ્યક્ષના આદેશને અનુસરીને પેટા ચૂંટણી જાહેર કરી છે. ચૂંટણી પંચે હાઇકોર્ટની પૃચ્છાનો મૌખિક રીતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાઇકોર્ટે તમામ બાબતો સોગંદનામા પર આવતીકાલે રજૂ કરવા રાજય ચૂંટણી પંચને હુકમ કર્યો હતો.

Previous articleગુજરાત : ૮મીથી રાજયમાં ધોરણ ૩-૮ની પરીક્ષા થશે
Next articleનંદકુંવરબા મહિલા કોલેજનું ગૌરવ