ભાવનગરની આગવી ઓળખ અને હજારો શ્રધ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર એવા ઐતિહાસિક તખ્તેશ્વર મહાદેવ મંદિરના નિર્માણના ૧રપ વર્ષ પૂર્ણ થતા શિવભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે અને ૧રપમાં વર્ષની ઉજવણી માટે ધાર્મિમ કાર્યક્રમો આયોજીત કરાયા છે.
ભાવનગરના નેક નામદાર મહારાજા તખ્તસિંહજી ગોહિલ-જીસીએસઆઈએ આ શિવાલય બંધાવી સોનાના થાળા સાથે સવંત ૧૯૪૯માં ઈસવીસન ૧૮૯૩ના જાન્યુઆરી માસમાં અર્પણ કર્યુ હતું. જે અંગેની નોંધ હાલમાં મંદિર પર લાગેલી તકતીમાં જોઈ શકાય છે. મંદિર નિર્માણ પૂર્વે બનેલો એક પ્રસંગ ટાંકતા હાલના મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું. ૧૮૦૦ પાદરના ધણી ફકીરી સંતના આદેશથી આ તખ્તેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ થયેલું. ૧૮૦૦ પાદરના ધણી મહારાજ તખ્તસિંહજી ગોહિલ પોતાના રાજ્યમાં પ્રવાસે નિકળેલા ત્યારે બોટાદ નજીકના નવહથ્થા હનુમાનજી મંદિર પાસે સંત મસ્તરામબાપુ બિરાજમાન હતા. મહારાજા તખ્તસિંહજીએ સંત મસ્તરામબાપુને દંડવત પ્રણામ કરી સેવા માટે કાઈ હુકમ હોય તો જણાવવા આગ્રહ કર્યો ત્યારે પૂ.બાપુએ નામ તેનો નાશ છે તેમ કહી લોકો યાદ કરે અને રૈયતને ઉપયોગી થાય તેવા કામ કરવા પ્રેરણા કરી હતી આથી મહારાજા તખ્તસિંહજીએ ઉંચી ટેકરી પર પોતાના નામ પરથી આ આરસ પહાણનું મંદિર બાંધી અર્પણ કર્યુ હતું. આ ઉપરાંત એક ધર્મશાળા અને સર તખ્તસિંહજી હોસ્પિટલનું પણ આજ સમયમાં નિર્માણ કરી રાજ્યની જનતાની સેવા સુખાકારી માટે અર્પણ કરી હતી.
તખ્તેશ્વર મંદિર નિર્માણને ૧રપ વર્ષ વિતી ગયા છતાં પણ આજે કાળની અનેક થપાટો ખાઈને પણ મંદિર અડીખમ ઉભુ છે. જે ઉત્તમ કળા સાથે તેની મજબૂતાઈનો પુરાવો છે. ધરતીકંપ અને વાવાઝોડાની કુદરતી આફતો વચ્ચે પણ મંદિર મજબુત રીતે ઉભુ છે. આ મંદિરનો વહિવટ સીટી મામલતદાર એટલે કે સરકાર હસ્તક છે. આ મંદિર અસંખ્ય ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર છે તો સહેલાણીઓને મનગમતું સ્થળ છે. પ્રવાસીઓ અને વિદેશીઓને માટે પણ આકર્ષણરૂપ રહ્યું છે.