ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ચેરમેન રાજીવ શુક્લાએ દાવો કર્યો કે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની સહિત આઈપીએલ કેપ્ટનોની એક બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, લીગમાં કોઈપણ બેટ્સમેનને માંકડિંગ આઉટ કરવામાં આવશે નહીં.
કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર. અશ્વિને સોમવારે રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને ’માંકડિંગ’ કરી વિવાદને જન્મ આપ્યો છે. શુક્લાએ કહ્યું કે, કેપ્ટનો અને મેચ રેફરીઓની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આ રીતે કોઈપણ બેટ્સમેનને આઉટ કરવામાં આવશે નહીં. તે બેઠકમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલી અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર હતા.
તેમણે ટ્વીટ કર્યું, ’જ્યાં સુધી મને યાદ છે કે તે કેપ્ટનો અને મેચ રેફરીની બેઠક બતી અને ચેરમેન તરીકે હું પણ હાજર હતો. તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, જો બીજા છેડે ઉભેલો બેટ્સમેન બહાર પણ નિકળી જાય તો બોલર સૌજન્યથી તેને રન આઉટ કરશે નહીં’તેમણે કહ્યું, લગભગ આ બેઠક કોલકત્તામાં આઈપીએલની કોઈ સિઝન પહેલા થઈ હતી. તેમાં વિરાટ અને ધોની હાજર હતા.