લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જારી કરી દીધી છે. આ યાદીમાં પાર્ટીના માર્ગદર્શકમંડળમાં સામેલ કરવામાં આવેલા લાલકૃષ્ણ અડવાણીઅને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અત્રે નોંધનીય છે કે આ વખતે અડવાણીને લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપવામાં આવી નથી. ગુજરાતના ગાંધીનગરમાંથી આ વખતે તેમની જગ્યાએ ભાજપ પ્રમુખ અમિત શાહ ચૂંટણી લડનાર છે. હાલમાં એવી ચર્ચા પણ છે કે કાનપુરમાંથી પાર્ટીના સાંસદ તરીકે રહેલા મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઇ શકે છે. પોતાની રીતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી ચુકેલા કાલરાજ મિશ્રા, સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતીના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશમાં પહેલા અને બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીને જારી કરવામાં આવેલી યાદીમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે યાદી સ્ટાર પ્રચારકોની જારી કરવામાં આવી છે તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત, ભાજપ પ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, કેશવ પ્રસાદ મૌર્ય, ઉમા ભારતી, હેમા માલિની, નિતિન ગડકરી અને અરૂણ જેટલીનો સમાવેશ થાય છે. સ્મૃત ઇરાની અને અન્યો પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે હાલમાં સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં મુલાયમ સિંહ યાદવના નામનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે સમાજવાદી પાર્ટીની ભારે ટિકા થઇ હતી. ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ સ્ટાર પ્રચારકોની યાદીમાં સુધારા કર્યા હતા અને મુલાયમ સિંહને સામેલ કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવ લોકસભા ચૂંટણીમાં મૈનપુરી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં પણ રહેલા છે. લાલકૃષ્ણ અડવાણી અન મુરલી મનોહર જોશીની બાદબાકી કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકો નારાજ દેખાઇ રહ્યા છે. જો કે ભારતીય જનતા પાર્ટીના જાણકાર લોકો કહે છે કે તેમની વયને ધ્યાનમાં લઇને આ નિર્ણય કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાનો સિલસિલો જારી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક તરીકે રહેલા અડવાણી અને જોશીની ભૂમિકા હવે સતત ઘટી રહી છે. કોઇ સમય આ બંને નેતાઓએ પાર્ટીને મજબુત સ્થિતીમાં લાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.રાજકીય રીતે સૌથી મહત્વપૂર્ણ ગણાતા ઉત્તરપ્રદેશમાં ચુંટણી સ્પર્ધા સૌથી રોચક રહેનાર છે. છેલ્લી લોકસભા ચુંટણીમાં મોદી લહેર વચ્ચે ભાજપે સપાટો બોલાવ્યો હતો અને મોટાભાગની સીટો જીતી લીધી હતી. આ વખતે ભાજપ સામે ટક્કર લેવા સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી એકસાથે આવી રહી છે. જોકે યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે મહાગઠબંધનના પરિણામ સ્વરૂપે પણ તેમની પાર્ટીને કોઈ અસર થશે નહીં. કોંગ્રેસ પાર્ટીને મહાગઠબંધનમાં સામેલ નહીં કરવાનો નિર્ણય અખિલેશ અને માયાવતીએ લીધો છે.
વખતે ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સામે પડકારો રહેલા છે ત્યારે અડવાણી અને જોશીને સ્ટાર પ્રચારકો તરીકે સામેલ ન કરીને કેટલાક પ્રશ્નો ભાજપે પણ સર્જ્યા છે.
અડવાણી અને જોશીના સુચનો લેવામાં આવ્યા હોવાના દાવા પાર્ટીના લોકો કરી રહ્યા છે. અડવાણી અને જોશી હવે ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેનાર લોકોમાં સામેલ રહ્યા નથી તેવી ચર્ચા પણ સતત થતી રહે છે. જો કે આવા આક્ષેપોને ભારતીય જનતા પાર્ટી દ્વારા હમેંશા રદિયો આપવામાં આવે છે.