અમદાવાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડેએ આજે વિધાનસભા મતવિસ્તાર મુજબ ઇ.વી.એમ. મશીનોની ફાળવણી કરી રવાના કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ રેન્ડમાઇઝેશન બાદ આજે ચૂંટણી પ્રક્રિયાની આગળની પ્રક્રિયા માટે ઇ.વી.એમ. મશીનોને વિધાનસભા મતવિસ્તાર મુજબ રવાના કરવામાં આવ્યા હતા.
જે મતવિસ્તાર માટે ઇ.વી.એમ. ઉપયોગમાં લેવાના છે તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે.
આ સમગ્ર પ્રક્રિયાની શરૂ થી લઇ અંત સુધીની વિડીયોગ્રાફી અને સી.સી.ટીવી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તેમ કલેક્ટરએ પત્રકારો સાથેના બ્રિફિંગમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ વખતે ૧,૬૩,૦૦૦ મોકપોલ કરવામાં આવ્યા છે, ૧૦૬૦થી વધુ સ્થળોએ ઇ.વી.એમ.ના નિદર્શન દ્વારા ૨ લાખથી વધુ લોકોને ઇ.વી.એમ.ની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા છે અને હજુ વધુ ને વધુ લોકો ઇ.વી.એમ. ની કામગીરીથી વાકેફ થાય તે માટે નિદર્શનની કામગીરી ચાલુ છે.
આજે રવાના થયેલા ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કરાશે અને ઉમેદવારો નક્કી થયા બાદ પૂર્ણરૂપથી ઇ.વી.એમ.ના વિવિધ વિભાગોને તૈયાર કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કલેક્ટરએ સમગ્ર પ્રક્રિયા નિહાળી ઇ.વી.એમ. વિવિધ સ્થળોએ સમયમર્યાદામાં પહોંચે અને સંગ્રહિત થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા