સુપ્રીમ કોર્ટે સનસનાટીપૂર્ણ શારદા ચીટ ફંડ કૌભાંડના મામલામાં કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની હાલમાં જ કરવામાં આવેલી પુછપરછ સાથે સંબંધિત પ્રગતિ રિપોર્ટમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા ખુલાસાને આજે ખુબ જ ગંભીર તરીકે ગણાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કેસ સ્ટેટસ રિપોર્ટમાં સીબીઆઈ દ્વારા કરવામાં આવેલા ખુલાસા ખુબ જ ગંભીર પ્રકારના છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇના નેતૃત્વમાં બેંચે કહ્યું હતું કે, જ્યારે આ પ્રકારના અતિ ગંભીર મામલા સપાટી ઉપર આવે છે ત્યારે આંખો બંધ કરી શકાય નહીં. આ સંદર્ભમાં કુમાર સામે યોગ્ય પગલા લેવાની માંગ કરતી અરજી દાખલ કરવા સીબીઆઈને કહેવામાં આવ્યું છે. કુમાર ચીટ ફંડ કૌભાંડમાં રાજ્ય સીટના અધ્યક્ષ તરીકે રહી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટની આ બેંચના જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્ના પણ હતા.
અરજી દાખલ કરવા માટે તપાસ સંસ્થાને ૧૦ દિવસની મહેતલ આપવામાં આવી છે. કુમાર અને અન્યો ત્યારબાદ સાત દિવસમાં તેમના જવાબ આપી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, સીબીઆઈનો સ્ટેટસ અહેવાલ સીલ કવરમાં સુપ્રત કરવામાં આવ્યો છે જેથી બહારની સુનાવણી કર્યા વગર હાલના તબક્કે કોઇપણ આદેશ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ પશ્ચિમ બંગાળ સરકારના જુદા જુદા વરિષ્ટ અધિકારી સામે સીબીઆઈ તિરસ્કાર અરજી ઉપર સુનાવણી કરી રહી છે જેમાં રાજ્યના ડીજીપી અને તત્કાલિન કોલકાતા પોલીસના વડા રાજીવ કુમાર સામે પણ સુનાવણી કરી રહી છે. પુરાવાને નષ્ટ કરી દેવા અને તપાસમાં સહકાર નહીં કરવાના મામલામાં રાજીવકુમાર મુશ્કેલીમાં મુકાયા છે. થોડાક સમય પહેલા સીબીઆઈની ટીમ જ્યારે રાજીવકુમારની પુછપરછ કરવા માટે બંગાળ પહોંચી ત્યારે સીબીઆઈના અધિકારીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સીબીઆઈના અધિકારીઓને બાનમાં પકડી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત સીબીઆઇના અધિકારીઓને કોઇ સહકાર આપવામાં આવ્યો ન હતું. હોબાળો થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ રાજીવ કુમારના સમર્થનમાં આગળ આવ્યા હતા અને જોરદાર ધરણા પ્રદર્શન કર્યા હતા. રાજીવકુમારની સામે હવે કઠોર કાર્યવાહીનો તખ્તો તૈયાર થઇ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ સપ્તાહમાં સીબીઆઈની ટીમ રાજીવકુમારના આવાસ ઉપર પહોંચી હતી. રાજીવ કુમારના ઘરેથી તેમને પકડી લેવામાં આવ્યા હતા. આ મામલાને લઇને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જોરદાર ધરણા પ્રદર્શન કર્યા હતા. સીબીઆઈ તરફથી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ સુપ્રીમે રાજીવકુમારને શિલોંગ સ્થિત સીબીઆઈની ઓફિસમાં ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજીવકુમારની પુછપરછ કરાઈ હતી.