રાજ્યમાં ગરમી, હિટવેવની ચેતવણી

1218

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીના પ્રમાણમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે. આજે રાજયમાં સૌથી વધુ ગરમ અને તપતુ શહેર ૩૯.૯ ડિગ્રી સાથે વલસાડ બન્યુ હતું. રાજયના ઘણા વિસ્તારો આજે હીટવેવની અસરમાં આવ્યા હતા. વલસાડ બાદ મહુવા ૩૯.૮ ડિગ્રી અને સુરત ૩૯.૬ અને ભુજ ૩૯.૫ ડિગ્રી સાથે ગરમ શહેર બની રહ્યા હતા. હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે. આજના ગરમીના આકંડા પર નજર કરીએ તો આજે વલસાડ ૩૯.૯ ડિગ્રી સાથે દેશનું અને રાજ્યનું સૌથી ગરમ શહેર બની ગયુ હતું. જ્યારે મહુવા ૩૯.૮ ડિગ્રી,  સુરત ૩૯.૬ અને ભુજમાં ૩૯.૫ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. શહેરમાં હોળાષ્ટક જતા જ ગરમીનું પ્રમાણ વધે છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચ્યુ છે ત્યારે આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઇ છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવિયર હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે.

આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૭ થી ૪૦ ડિગ્રીની આસપાસ નોધાયો હતો. અમદાવાદમાં આજે ગરમીનો પારો ૩૮ ડિગ્રી નોંધાયો હતો. જયારે રાજયમાં સૌથી ઓછી ગરમી ઓખામાં ૩૩.૨ ડિગ્રી જેટલી નોંધાઇ હતી. હિટવેવની ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે.

આજે પણ તેની અસર દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં જોવા મળી હતી. ભાવનગરમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. અલબત્ત ગઇકાલે પારો કેટલીક જગ્યાએ ૪૦ ઉપર પહોંચ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ હજુ પણ વધી શકે છે. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૩૮ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે.

Previous articleકોંગ્રેસના વધુ બે ઉમેદવાર જાહેર : બીજી યાદી ટૂંકમાં
Next articleહાર્દિક કેસ : આજે સોગંદનામુ રજૂ કરી દેવા હાઈકોર્ટનો હુકમ