ગત વર્ષ જરૂરિયાત કરતાં થયેલ ઓછા વરસાદના કારણે આગામી ઉનાળામાં ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પાણીની તંગી સર્જાવાની શક્યતાઓ રહેલી છે.જેના અનુસંધાને અસામાજિક તથા માથાભારે તત્વો બીનઅધિકૃત રીતે પાઇપલાઇનો તથા વાલ્વ માં તોડફોડ કે ચેડાં કરી પાણી ચોરી ન કરે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
જે અંતર્ગત ખેતીના ઉપયોગ માટે તથા માલઢોર ને પાણી પીવાના ઉપયોગ સહિત અન્ય ઉપયોગ માટે નર્મદા, મહી,શેત્રુંજી સહિત ની જિલ્લાની તમામ નદી,તળાવો, ડેમો તેમજ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ,ભાવનગર તથા સિંચાઈ યોજના વિભાગ ભાવનગર સહિતના તમામ વિભાગ હેઠળની પાઇપલાઇનો,વાલ્વ તથા નહેરોમાં ભંગાણ, તોડફોડ કરી ગેરકાયદેસર પાણી વાળવા તથા ખેંચવા પર પ્રતિબંધ ફારમાવવામાં આવેલ છે.
તદુપરાંત જિલ્લાના જળાશયોના અનામત જથ્થા માંથી કોઈપણ વ્યક્તિ કે ખાતેદાર દ્વારા જળાશય કે આસપાસ બેઝિન વિસ્તારમાંથી ગેરકાયદેસર પાણી લેવા કે ડૂબ વિસ્તારમાં ગેરકાયદેસર કુવા/બોર બનાવી પાણી ખેંચવા પર પણ પ્રતિબંધ ફારમાવવામાં આવેલ છે.